(Source: ECI/ABP News/ABP Majha)
Droneacharya Aerial Innovations IPO: શેરબજારમાં ઘટાડો હોવા છતાં આ કંપનીનો IPO 90% પ્રીમિયમ પર થયો લિસ્ટ
આઇપીઓનું કદ રૂ. 34 કરોડ હતું પરંતુ આ આઇપીઓને કુલ રૂ. 8285.8 કરોડના શેર માટે અરજીઓ મળી છે.
Droneacharya Aerial Innovations IPO: ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સ્ટોક એક્સચેન્જમાં બે નવા IPO લિસ્ટ થયા છે, જે IPOની ઇશ્યૂ કિંમત કરતાં ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા છે. પરંતુ SME IPO દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશન્સના શેરે લિસ્ટિંગના પહેલા જ દિવસે રોકાણકારોને બક્ખાં કરાવી દીધા છે. દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશનના શેર તેની ઇશ્યૂ કિંમતથી 90 ટકા વધીને રૂ. 102 પર લિસ્ટ થયા છે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 52 થી 54 નક્કી કરી હતી.
દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશનના શેર રૂ. 102 પર લિસ્ટ થયા બાદ રૂ. 107.10 સુધી ગયા હતા. 5 ટકાના ઉછાળા સાથે શેર ઉપલી સર્કિટને અથડાયો હતો. અગાઉ, IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. IPO 13 થી 15 ડિસેમ્બર દરમિયાન રોકાણકારોની અરજીઓ માટે ખુલ્લો હતો. BSE ડેટા અનુસાર, રૂ. 34 કરોડનો આ IPO કુલ 243.70 વખત ઓવરસબસ્ક્રાઇબ થયો હતો.
દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશનના આઇપીઓનું કદ રૂ. 34 કરોડ હતું પરંતુ આ આઇપીઓને કુલ રૂ. 8285.8 કરોડના શેર માટે અરજીઓ મળી છે. રિટેલ રોકાણકારોનો રિઝર્વ ક્વોટા 330.82 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 2878 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. છૂટક રોકાણકારો માટે રૂ. 1.08 લાખમાં 2000 શેરનો લોટ રાખવામાં આવ્યો હતો. જાણીતા શેરબજારના રોકાણકાર શંકર શર્માએ પૂણે સ્થિત ડ્રોન આચાર્ય એરિયલ ઈનોવેશનમાં રોકાણ કર્યું છે.
દ્રોણાચાર્ય એરિયલ ઈનોવેશન એક સ્ટાર્ટઅપ કંપની છે. શંકર શર્મા ઉપરાંત હર્ષલ મોડ અને આશિષ નંદા જેવા રોકાણકારો પણ કંપનીમાં રોકાણ કરે છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત વેલસ્ટોન કેપિટલે પણ કંપનીમાં IPO પહેલાનો હિસ્સો લીધો છે. ડ્રોન અને સેન્સરનું ઉત્પાદન IPO દ્વારા એકત્ર કરાયેલી રકમથી કરવામાં આવશે.
DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) તરફથી પ્રમાણિત RTPO (રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન) મેળવનાર ખાનગી ક્ષેત્રની દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશન પ્રથમ કંપની છે. કંપનીને 2022માં લાઇસન્સ મળ્યું હતું. 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 3.09 કરોડ રૂપિયા હતી, જેના પર 72.06 લાખ રૂપિયાનો નફો થયો હતો.
નોંધનીય છે કે, આજે સ્ટોક માર્કેટમાં વધુ બે કંપનીના આઈપીઓએ રોકાણકારોને રોવડાવ્યા છે. આજે બજારમાં લેન્ડમાર્ક કાર્સ અને અબાન્સ હોલ્ડિંગ્સનું લિસ્ટિંગ થયું છે. લેન્ડમાર્ક કાર્સનું ડિસ્કાઉન્ટ પર તો અબાન હોલ્ડિંગ્સનું ફ્લેટ લિસ્ટિંગ થયું છે.