Fact Check: ફોન પે કેશબેક જીતવાના દાવાથી વાયરલ આ લિંક છે ફર્જી
વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને જાણવા મળ્યું કે PhonePe અને Jio કેશબેક જીતવાના નામે વાયરલ થયેલી લિંક ફર્જી છે. આવી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.
નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર ફોન પેના નામથી કેશબેક જીતવા અંગેની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કૂપનને સ્ક્રેચ કરીને 4390 રૂપિયાનું કેશબેક જીતી શકાય છે. પોસ્ટમાં એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે.
વિશ્વાસ ન્યૂઝે આ દાવાની તપાસ કરી અને જાણવા મળ્યું કે વાયરલ લિંક ફર્જી છે. યૂઝર્સે આ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. આવી કોઈ અજાણી લિંક પર ક્લિક કરવાથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.
શું છે વાયરલ પોસ્ટ ?
ફેસબુક યૂઝર્સ Make X 1233 ( આર્કાઈવ લિંક) એ 7 ડિસેમ્બરે આ પોસ્ટ શેર કરી છે. તેના પર ફોન પેનો લોગો લાગ્યો છે અને એક લિંક શેર કરી દાવો કરવામાં આવ્યો છે કે, "તમને PhonePe તરફથી ₹4390નું ફ્રી કેશબેક મળ્યું છે."
તપાસ
વાયરલ દાવાને ચકાસવા માટે અમે પહેલા મેસેજ સાથે આપેલી લિંકને ધ્યાનથી જોઈ. તેમાં URL શોર્ટનર દ્વારા બનાવેલ લિંક શામેલ છે, તેથી તે લિંક દેખાતી ન હતી. લિંક પર ક્લિક કરતાં જ એક વેબસાઈટ ખુલે છે, જેમાં વડાપ્રધાન મોદીના ફોટો સાથે જણાવવામાં આવ્યું છે કે, “પ્રધાનમંત્રી મુદ્રા યોજના” યોજના દ્વારા ભારતના લોકોને 1999 રૂપિયા સુધીની ભેટ આપવામાં આવી રહી છે. સ્કીમનો લાભ મેળવવા માટે યુઝરને ડિજિટલ કાર્ડ સ્ક્રેચ કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્ક્રેચ કરવા પર તેણે જણાવ્યું કે અમે 644 રૂપિયા જીત્યા છે. આનાથી આગળ લીંકે કામ ન કર્યું.
અમે ફોનપે ના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અંગે તપાસ શરુ કરી. અમને કોઈપણ આવી સ્કીમ વિશે જાણકારી મળી હતી.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે કીવર્ડ સર્ચ કરવા પર જાણવા મળ્યું કે આ ભારત સરકારની એક પ્રમુખ યોજના છે જેમાં બિન-કૃષિ ક્ષેત્રમાં કામ કરતા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ, લોન મેળવવા માટે, ઉધાર લેનાર કોઈપણ કોમર્શિયલ બેંક, RRB, સ્મોલ ફાઇનાન્સ બેંક, સહકારી બેંક, MFI અથવા NBFC નો સંપર્ક કરી શકે છે. આ સિવાય જનસમર્થ પોર્ટલ (www.Jansamarth.in) દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકાશે. સ્પષ્ટપણે, આ યોજના હેઠળ લોન આપવામાં આવે છે, મફત નાણાંનું વિતરણ કરવામાં આવતું નથી.
અમે આ બાબતની પુષ્ટિ માટે સાયબર સુરક્ષા નિષ્ણાત અને રાજસ્થાન સરકારની જાહેર ફરિયાદ સમિતિના ભૂતપૂર્વ IT સલાહકાર આયુષ ભારદ્વાજનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, "તમે તમારા લેપટોપ પર આ લિંક ખોલી હતી તેથી તે ખુલી ન હતી, પરંતુ જો તમે તેને તમારા ફોન પર ખોલી હોત, તો તે તમને તમારા ફોન પરની PhonePe એપ્લિકેશન પર લઈ જાત અને પેમેન્ટવાળા પેઈજ પર તમને ઉલટાનું સ્ક્રેચ કાર્ડ દ્વારા જીતેલી રકમની ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હોત. જો તમે પિન નાખ્યો હોત તો તમારા ખાતામાંથી આટલા પૈસા કપાઈ ગયા હોત. આ પૈસા છેતરપિંડી કરનારાઓના ખાતામાં ગયા હશે. આવી લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ.”
છેલ્લે, અમે ફેસબુક યુઝરની પ્રોફાઇલ સ્કેન કરી જેણે પોસ્ટ શેર કરી હતી. લગભગ 2 હજાર લોકો યુઝરને ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને જાણવા મળ્યું કે PhonePe અને Jio કેશબેક જીતવાના નામે વાયરલ થયેલી લિંક ફર્જી છે. આવી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.
[Disclaimer: આ અહેવાલ સૌ પ્રથમ https://www.vishvasnews.com/ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સ્ટોરી ABP લાઈવ ગુજરાતીમાં વિશેષ વ્યવસ્થા સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવી છે. એબીપી લાઈવ ગુજરાતીએ હેડલાઈન સિવાય રિપોર્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી.]