Gautam Adani હવે દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ, Bill Gates જેટલી થઇ સંપત્તિ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની સંપત્તિ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ જેટલી થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી અને ગેટ્સ બંનેની કુલ સંપત્તિ $125 બિલિયન છે. હવે તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાણી, વોરેન બફેટ, ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિનથી આગળ નીકળી ગયા છે.
ફોર્બ્સ પર પાંચમા સૌથી ધનિક વ્યક્તિ
જ્યારે ફોર્બ્સના રિયલ ટાઇમ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી દુનિયાના પાંચમા સૌથી અમીર વ્યક્તિ છે. આ લિસ્ટ પર તેઓ બિલ ગેટ્સથી થોડા પાછળ છે. અદાણીની સંપત્તિ 129 અબજ ડોલર આંકવામાં આવી છે જ્યારે બિલ ગેટ્સની સંપત્તિ 129.4 અબજ ડોલર આંકવામાં આવી છે.
એક દિવસમાં પ્રોપર્ટીમાં $6 બિલિયનનો વધારો થયો
ગૌતમ અદાણીની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં 6.3 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. માત્ર 2022માં અદાણીની સંપત્તિમાં $48.3 બિલિયનનો વધારો થયો છે. 2021ના અંતે ગૌતમ અદાણીની સંપત્તિ $76.7 બિલિયન હતી. અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવ સતત વધી રહ્યા છે. ભૂતકાળમાં તેમની બંને કંપની અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે.
ટૂંક સમયમાં બની શકે છે દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ
અબજોપતિઓની લિસ્ટમાં અદાણીથી આગળ Elon Musk, Jeff Bezos, Bernard Arnault અને Bill Gates છે. પરંતુ આ તમામની સંપત્તિમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. એટલે કે રેડ ઝોનમાં છે. જ્યારે અદાણીની સંપત્તિ સતત વધી રહી છે અને ગ્રીન ઝોનમાં છે. જો ગૌતમ અદાણી આ ઝડપથી આગળ વધે છે તો બહુ જલદી દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની જશે.