એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, સંપત્તિમાં આટલો થયો વધારો
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ નેટવર્થ 100 બિલિયન ડોલર થઇ ગઇ છે. આ સાથે જ તેઓ દુનિયાના 10મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
સંપત્તિમાં જોરદાર વધારો
નેટવર્થમા 2.44 બિલિયન ડોલરના વધારા સાથે અદાણી દુનિયાના સૌથી અમીર લોકોની બ્લૂમબર્ગના લિસ્ટમાં 10મા સ્થાન પર પહોંચી ગયા છે. 100 બિલિયન ડોલરની નેટવર્થની સાથે અદાણી સેન્ટીબિલિનેયર્સ ક્લબમાં સામેલ થઇ ગયા છે. 100 બિલિયન ડોલરથી વધુ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓને સેન્ટીબિલિયનેયર કહેવામાં આવે છે. અદાણી નેટવર્થમાં આ વર્ષે અત્યાર સુધીમાં 23.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. લિસ્ટમાં સામેલ તમામ લોકોમાં અદાણી સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ ગ્રોથ જોવા મળ્યો હતો.
11મા સ્થાન પર છે અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી હવે બ્લૂમબર્ગના સૌથી અમીર લોકોની લિસ્ટમાં 11મા સ્થાન પર છે. તે એશિયા અને ભારતના બીજા અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ નેટવર્થ 99 બિલિયન ડોલર આંકવામાં આવી છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં અંબાણીના નેટવર્થમાં 9.03 બિલિયન ડોલરનો વધારો થયો છે.