GDP Data : મોદી સરકાર માટે માઠા સમાચાર, GDPને લાગી બ્રેક
જીડીપીમાં આ ઘટાડો બેક બ્રેકિંગ મોંઘવારી અને માંગના અભાવને કારણે થયો છે.
GDP Data For 3rd Quarter FY23 : નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશની અર્થવ્યવસ્થા 4.4 ટકાના દરે વૃદ્ધિ પામી છે. જ્યારે ગત નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી 5.4 ટકા હતો. ત્રીજા ક્વાર્ટર માટે જાહેર કરવામાં આવેલ જીડીપીનો આંકડો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર કરતા ઓછો છે. બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. જ્યારે તેની સરખામણીમાં ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી રહી છે. એવું માનવામાં આવે છે કે, જીડીપીમાં આ ઘટાડો બેક બ્રેકિંગ મોંઘવારી અને માંગના અભાવને કારણે થયો છે.
2022-23માં જીડીપી 7 ટકા રહેશે
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23માં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી 9.1 ટકા હતો. ઉપરાંત જીડીપીના આંકડા જાહેર કરતી વખતે મંત્રાલયે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી રૂ. 40.19 લાખ કરોડ સુધી પહોંચી હતી. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂ. 38.51 લાખ કરોડ હતી. તે જ સમયે 2022-23માં નજીવી જીડીપી રૂ. 272.04 લાખ કરોડ હોવાનો અંદાજ છે. જે 2021-22માં રૂ. 234.71 લાખ કરોડ કરતાં 15.9 ટકા વધુ છે.
ક્ષેત્રોનું આરોગ્ય
NSO દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં એવું કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ગાળામાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.7 ટકા રહ્યો છે. જ્યારે 2021-22ના સમાન સમયગાળામાં તે 2.3 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર માઈનસમાં ગયો છે અને તે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 1.3 ટકાની સરખામણીએ -1.1 ટકા રહ્યો છે. બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર 2021-22ના સમાન ક્વાર્ટરમાં 0.2 ટકાની સરખામણીએ 8.4 ટકા રહ્યો છે. તેવી જ રીતે વેપાર, હોટેલ, પરિવહન, સંચાર અને પ્રસારણ સંબંધિત સેવાઓનો વૃદ્ધિ દર 9.7 ટકા રહ્યો છે, જે 2021-22ના સમાન ત્રિમાસિક ગાળામાં 9.2 ટકા હતો. નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓનો વિકાસ દર 5.8 ટકા રહ્યો છે. જે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં 4.3 ટકા હતો. વીજળી, ગેસ અને પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 8.2 ટકા રહ્યો છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 6 ટકા હતો.
GDP Data: GDP ગ્રોથમાં આવશે ઘટાડો, 4.6 ટકા રહેવાનો અંદાજ, SBIએ જાહેર કર્યો રિપોર્ટ
GDP Data: નાણાકીય વર્ષ 2022-23 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 4.6 ટકા રહેવાનો અંદાજ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો જીડીપી 7 ટકા રહી શકે છે, જે અગાઉ 6.8 ટકા રહેવાનો અંદાજ હતો.