EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
કેન્દ્ર સરકારના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સભ્યોને મોટી રાહત આપતાં ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ (ASAC) ની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સભ્યોને મોટી રાહત આપતાં ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ (ASAC) ની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડૌરાએ ગયા અઠવાડિયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની 113મી એક્ઝિક્યુટિવ કમિટી (EC) બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 28 માર્ચે શ્રીનગરમાં યોજાયેલી બેઠકમાં EPFO સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિ પણ હાજર રહ્યા હતા. જોકે, આ ભલામણ હવે અંતિમ મંજૂરી માટે CBT પાસે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા પ, EPFO સભ્યો 5 લાખ રૂપિયા સુધીના એડવાન્સ PF ક્લેમ કરી શકશે.
EPFO ઓટો ક્લેમની શરૂઆત કેવી રીતે થઇ?
EPFO એ એપ્રિલ 2020માં ઓટો-ક્લેમ સુવિધા શરૂ કરી હતી જેમાં બીમારીના કિસ્સામાં 50,000 રૂપિયા સુધીના એડવાન્સ ઉપાડની મંજૂરી આપવામાં આવી હતી. મે 2024માં આ મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી. અત્યાર સુધી આ સુવિધા ફક્ત બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવા પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે તે શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદી જેવા ત્રણ નવા ક્ષેત્રોમાં પણ લાગુ કરવામાં આવી છે.
EPFO ક્લેમ રિજેક્શનમાં ભારે ઘટાડો
ગયા વર્ષે EPFO માં 50 ટકા સુધીના ક્લેમ રિજેક્ટ થઇ જતા હતા પરંતુ હવે તે ઘટીને 30 ટકા થઈ ગયા છે. EPFO એ ઓટો-ક્લેમ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરી છે જેનાથી કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના IT સિસ્ટમ દ્વારા ઓટોમેટિક ક્લેમ પ્રોસેસિંગ સુનિશ્ચિત થાય છે.
પીએફ ઉપાડના નિયમોમાં રાહત
પીએફ ઉપાડવા માટેની વેલિડેશન ફોર્મેલિટીઝ 27 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવી છે. બેઠકમાં તેમાં 6 ટકાનો વધુ ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં કેન્દ્ર સરકાર EPFO સભ્ય ડેટાબેઝને કેન્દ્રિય અને ડિજિટલાઇઝ કરવા તરફ પણ કામ કરી રહી છે. હવે KYC, પાત્રતા અને બેન્ક વેરિફિકેશન પૂર્ણ થતાં જ ઓટોમેટિક રીતે ક્લેમ પ્રોસેસ થઇ જાય છે. પહેલા પીએફ ઉપાડવા માટે 10 દિવસ લાગતા હતા પરંતુ હવે આ સમયગાળો ઘટાડીને 3-4 દિવસ કરવામાં આવ્યો છે.





















