Defence Exports: ભારતના હથિયારોની દુનિયામાં ધૂમ, બ્રહ્મોસ મિસાઇલથી લઇ પિનાકા રૉકેટ સુધી થઇ રહ્યાં છે એક્સપોર્ટ
India Defence Exports: ભારતે હથિયારોની નિકાસમાં ઝડપથી પ્રગતિ કરી છે. પહેલા ભારત સૌથી વધુ હથિયારોની આયાત કરતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે
India Defence Exports: ભારતે હથિયારોની નિકાસમાં ઝડપથી પ્રગતિ કરી છે. પહેલા ભારત સૌથી વધુ હથિયારોની આયાત કરતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આર્થિક સર્વે 2024માં બહાર આવ્યું છે કે ભારતે 85 દેશોને બ્રહ્મોસ મિસાઈલથી લઈને પિનાકા રૉકેટ અને આર્ટિલરી સુધીની દરેક વસ્તુ વેચી છે. શસ્ત્રો ખરીદનારાઓમાં આર્મેનિયા અને ફિલિપાઇન્સ, ઇટાલી, માલદીવ, રશિયા, શ્રીલંકા, યુએઇ, સાઉદી અરેબિયા, પોલેન્ડ, ઇજિપ્ત, ઇઝરાયેલ અને સ્પેન, ચિલીનો સમાવેશ થાય છે. તે આ દેશોમાં તોપના ગોળા પણ મોકલી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2017માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 74,054 કરોડ રૂપિયાનું હતું, જે 2023માં વધીને 1,08,684 કરોડ રૂપિયા થઈ ગયું છે. 2015 અને 2019 ની વચ્ચે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર ખરીદનાર હતો, પરંતુ હવે તે ટોચના 25 હથિયારોની નિકાસ કરનારા દેશોમાં સામેલ થઈ ગયો છે.
સરકારની આ યોજનાઓનો મળી રહ્યો છે ફાયદો
હકીકતમાં, ભારત સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેમાં PLI સહિત ઘણા પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સરકારે ઘણા હથિયારોની નિકાસને પણ મંજૂરી આપી હતી. જો આંકડાઓનું માનીએ તો હાલમાં 100થી વધુ કંપનીઓ શસ્ત્રો અને સાધનોની નિકાસ કરી રહી છે. તેમાં ડોર્નિયર 228 એરક્રાફ્ટ, તોપો, બ્રહ્મોસ મિસાઇલ, આકાશ મિસાઇલ, પિનાકા રોકેટ સિસ્ટમ, બોડી આર્મર, હેલ્મેટ, દારૂગોળો, રડાર, તોપના ગોળા અને અન્ય ઘણા પ્રકારના સાધનોનો સમાવેશ થાય છે. HAL કંપની વધુમાં વધુ પ્લેન સપ્લાય કરી રહી છે, જેનો ફાયદો પણ મળી રહ્યો છે.
ચીનને પણ આપ્યો સંદેશ
વળી, ભારતમાં નિર્મિત ફાઇટર જેટ તેજસને વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવનારી છે, જેમાં ઘણા દેશોએ રસ દાખવ્યો છે. આ સિવાય ભારતીય કંપની HALએ પણ ઘણા હેલિકોપ્ટરની નિકાસ કરી છે. ભારત આર્મેનિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોને હથિયાર આપી રહ્યું છે. ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપીને ભારતે ચીનને પણ સંદેશ આપ્યો છે.