IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર
વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું.
India Women vs West Indies Women 2nd T20I Highlights: વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ મેચ જીતી લીધી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝે વળતો પ્રહાર કરીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે શ્રેણીની ત્રીજી ટી-20 ફાઈનલ તરીકે રમાશે. કેપ્ટન હીલી મેથ્યુઝે 180.85ના સ્ટ્રાઈક રેટથી 85* રનની ઈનિંગ રમીને વેસ્ટ ઈન્ડિઝને બીજી મેચ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી જબરદસ્ત બેટિંગ જોવા મળી હતી. 160ના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે માત્ર 15.4 ઓવરમાં જીત મેળવી લીધી હતી. આ દરમિયાન ટીમે માત્ર એક જ વિકેટ ગુમાવી હતી.
મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેમના માટે એકદમ યોગ્ય સાબિત થયો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 159/9 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 41 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા. આ સિવાય રિચા ઘોષે 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ માટે ચાર બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ રનઆઉટ થકી એક વિકેટ ગુમાવી હતી.
રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કર્યું હતું
ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝને કેપ્ટન હીલી મેથ્યુસ અને કિયાના જોસેફે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 66 (40 બોલ) રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝને પહેલો ફટકો 7મી ઓવરમાં ત્યારે લાગ્યો જ્યારે કિયાના જોસેફ પેવેલિયન પરત ફરી. કિયાના જોસેફે 22 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 38 રન બનાવ્યા હતા. ત્યારબાદ શમાયન કેમ્પબેલે હીલી મેથ્યુસ સાથે મળીને બીજી વિકેટ માટે 94* (55 બોલ)ની અતૂટ ભાગીદારી કરી અને ટીમને વિજય અપાવ્યો. આ દરમિયાન, કેપ્ટન હિલી મેથ્યુઝે 47 બોલમાં 17 ચોગ્ગાની મદદથી 85* રન બનાવ્યા અને શમાઈન કેમ્પબેલે 26 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 29* રન બનાવ્યા હતા. આ રીતે વેસ્ટ ઈન્ડિઝે 3 મેચની શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે અંતિમ મુકાબલો ફાઈનલ તરીકે રમાશે.
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ