બજેટના 6 મહિના પહેલા નક્કી થઈ જાય છે કોને શું મળશે? જાણો કેવી રીતે કામ થાય છે.....
નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા ભારતના રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ બજેટનો સારાંશ રજૂ કરે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2022ને લઈને નાણાં મંત્રાલયમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ ચોથી વખત બજેટ રજૂ કરશે. બજેટ પહેલા તમામ ક્ષેત્રો નાણામંત્રી સમક્ષ પોતાની માંગણીઓ કરે છે. પણ આ બજેટ રજૂ થાય ત્યારે જ ખબર પડે કે કોને શું મળ્યું?
બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત હોય છે
બજેટની તૈયારી ખૂબ જ ગુપ્ત પ્રક્રિયા છે. પરંતુ, તમે ભાગ્યે જ જાણતા હશો કે બજેટમાં કોને શું મળશે તે 6 મહિના પહેલા નક્કી કરી લેવામાં આવે છે. વાસ્તવમાં, સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં લગભગ છ મહિનાનો સમય લાગે છે. આ પ્રક્રિયા દરમિયાન જબરદસ્ત ગોપનીયતા જાળવવામાં આવે છે. જાણો ઓગસ્ટથી લઈને બજેટ રજૂ થવા સુધીની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ચાલે છે-
ઓગસ્ટમાં શરૂ થાય છે
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગનું 'બજેટ ડિવિઝન' ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં બજેટ પરિપત્ર જારી કરે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આગામી નાણાકીય વર્ષ માટે સરકારી ખર્ચના અંદાજિત આંકડા તૈયાર કરવામાં આવે છે.
નવેમ્બરઃ કયા મંત્રાલયને કેટલું બજેટ
બજેટમાં દરેક મંત્રાલય પોતાના માટે મહત્તમ ભંડોળ ઈચ્છે છે. આ માટે દરેક મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરે છે. આ પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલુ રહે છે. આ દરમિયાન થયેલી વાતચીતના આધારે નાણા મંત્રાલયના અધિકારીઓ સંબંધિત મંત્રાલયોનું બજેટ તૈયાર કરે છે.
ડિસેમ્બર: પ્રથમ કટ ઓફ બજેટની તૈયારી
ડિસેમ્બરમાં, બજેટની પ્રથમ ડ્રાફ્ટ કોપી (આને પ્રથમ કટ ઓફ બજેટ કહેવાય છે) નાણાં પ્રધાન સમક્ષ મૂકવામાં આવે છે. પ્રથમ કટ ઓફ બજેટ પેપર આછા વાદળી રંગનું છે. એવું કહેવાય છે કે આછા વાદળી કાગળ પર કાળી શાહી વધુ ઉભરીને આવે છે.
જાન્યુઆરીઃ અલગ-અલગ લોકો પાસેથી સલાહ લેવામાં આવે
જાન્યુઆરીમાં નાણામંત્રીની બેંક એસોસિએશન, વિવિધ ઉદ્યોગ જૂથોના પ્રતિનિધિઓ અને જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરે છે. નાણામંત્રી દરેકની સલાહ સાંભળે છે, જો કે, તે સલાહને બજેટમાં સામેલ કરવી કે નહીં તેનો અંતિમ નિર્ણય તે ખુદ લે છે.
બજેટ પહેલાનું છેલ્લું સપ્તાહ
બજેટની રજૂઆત પહેલાના છેલ્લા અઠવાડિયામાં નાણા મંત્રાલયના ભોંયરામાં હાજર પ્રેસમાં બજેટ દસ્તાવેજોની પ્રિન્ટીંગ કરવામાં આવે છે. 100 કર્મચારીઓને બજેટ રજૂ કરવાના એક અઠવાડિયા પહેલા સુધી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવે છે, જેથી કોઈ ગુપ્ત માહિતી લીક ન થાય.
બે દિવસ પેહલાં
બજેટ ભાષણના બે દિવસ પહેલા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના અધિકારીઓ કામમાં વ્યસ્ત થઈ જાય છે. લગભગ 20 અધિકારીઓ હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂમાં પ્રેસ રિલીઝ બનાવવા માટે જવાબદાર છે. બજેટ ભાષણની શરૂઆત પહેલા તેમને બહાર આવવા દેવામાં આવતા નથી.
બજેટના દિવસે શું થાય છે
નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા ભારતના રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ બજેટનો સારાંશ રજૂ કરે છે. બજેટ ભાષણના થોડા સમય પહેલા કેબિનેટને સંક્ષિપ્ત વિગતો આપવામાં આવે છે. આ પછી બજેટ સંસદમાં મૂકવામાં આવે છે. સામાન્ય રીતે સંસદમાં દિવસના 11 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવે છે.