LPG Price Hike: આમ આદમીને લાગશે વધુ એક ઝટકો, 1 જૂનથી 1100 રૂપિયાનો થઈ શકે છે ઘરેલુ એલપીજી સિલિન્ડર
LPG Prce: દેશમાં એલપીજી ગેસની કિંમત આયાત પેરિટી પ્રાઇસ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેને આઈપીપી તરીકે પણ ઓળખવામાં આવે છે.
LPG Price Hike Impact : 1 જૂને દેશમાં ફરી એકવાર એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ શકે છે. આ વખતે ઘરેલુ એલપીજીની કિંમત 1100 રૂપિયાને પાર થઈ જશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, તમે 1 લી પહેલા ગેસ બુક કરીને કેટલીક બચત કરી શકો છો. હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1003 રૂપિયા, મુંબઈમાં 1002.5 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા અને ચેન્નઈમાં 1058 રૂપિયા છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મે મહિનામાં બે વાર ઘરેલું એલપીજીના ભાવમાં વધારો કર્યો હતો. પ્રથમ વધારો 7 મેના રોજ વધારવામાં આવ્યો હતો. આ દિવસે 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મેના રોજ 3.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે એક મહિનામાં એલપીજી પર કુલ 53.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક ગેસના ભાવને જોતા 1 જૂનના રોજ ફરી વધવાની આશંકા છે.
કોમર્શિયલ સિલિન્ડરની કિમત કેટલી હતી
1 મેના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં તેની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી રાજધાનીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2355.5 રૂપિયા હતી. તે જ સમયે, 5 કિલોના નાના એલપીજી સિલિન્ડરની કિંમત વધારીને 655 રૂપિયા કરવામાં આવી હતી.
આ રીતે નક્કી કરવામાં આવે છે ભાવ
દેશમાં એલપીજી ગેસની કિંમત આયાત પેરિટી પ્રાઇસ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેને આઈપીપી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ગેસનો મોટાભાગનો પુરવઠો આયાત પર આધારિત હોવાથી આઇપીપી પણ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ અનુસાર નક્કી થાય છે. ભારતમાં એલપીજીનો બેંચમાર્ક એ સાઉદી અરામકોના એલપીજીની કિંમત છે. વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની જે ભાવે એલપીજી વેચે છે તેના આધારે સ્થાનિક બજારમાં તેની કિંમત નક્કી થાય છે. એલપીજીના ભાવ માત્ર ગેસના ભાવ નથી. આમાં કસ્ટમ ડ્યુટી, પરિવહન અને વીમા જેવા અન્ય પરિબળોનો સમાવેશ થાય છે.
આ કારણોની પણ પડે છે અસર
સૌથી મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત છે. જોકે તેનું એક કારણ ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે તે પણ છે. આ ખરીદી માત્ર આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં જ થાય છે અને રૂપિયાની નબળાઈના કારણે ભારતને વધારે કિંમત ચૂકવવી પડે છે. આ ઉપરાંત હાલ ગેસનો પુરવઠો તેની માગને અનુરૂપ નથી. ગેસના ભાવ વધવાનું પણ આ એક કારણ છે.