ગૃહિણીઓનું બજેટ ખોરવાશેઃ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસ પણ મોંઘો, સરકારે ભાવમાં ₹50નો વધારો કર્યો
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઉજ્જવલા અને નોન-ઉજ્જવલા ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹50નો વધારો જાહેર કર્યો.

LPG price hike: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી હતી કે ઉજ્જવલા (PMUY) અને નોન-ઉજ્જવલા ગ્રાહકો બંને માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવવધારાની જાહેરાત કરતા મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર આગામી દિવસોમાં તેની સમીક્ષા કરશે. મહત્વની વાત એ છે કે આજે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે એલપીજી ગેસ અને પેટ્રોલ-ડીઝલના આ વધેલા ભાવ આજે મધરાત એટલે કે મંગળવાર, 8 એપ્રિલ, 2025થી લાગુ થઈ જશે.
મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, "PMUY લાભાર્થીઓ માટે, કિંમત ₹ 500 થી વધીને ₹ 550 પ્રતિ સિલિન્ડર થશે. અન્ય ગ્રાહકો માટે, તે ₹ 803 થી વધીને ₹ 853 થશે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ભાવવધારો સામયિક સમીક્ષાને આધીન છે, જે સામાન્ય રીતે દર 2-3 અઠવાડિયામાં કરવામાં આવે છે.
મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ અને ડીઝલ પર તાજેતરમાં કરવામાં આવેલો એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ગ્રાહકો પર બોજ નાખવા માટે નથી, પરંતુ સબસિડીવાળા ગેસના ભાવને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને થયેલા 43,000 કરોડ રૂપિયાના નુકસાનને સરભર કરવામાં મદદ કરવા માટે છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંગળવાર, 8 એપ્રિલ, 2025થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારો ઉજ્જવલા સ્કીમ અને નોન-ઉજ્જવલા એટલે કે તમામ ગ્રાહકોને લાગુ પડશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે, જેથી તેઓ સ્વચ્છ રસોઈ ઇંધણ એટલે કે LPG મેળવી શકે. આ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને આપવામાં આવે છે. હવે નવા ભાવ અનુસાર, ઉજ્જવલા યોજના અને અન્ય તમામ ગ્રાહકોને ગેસ સિલિન્ડર માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં જ્યારે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારે છેલ્લી વખત 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ગયા વર્ષે ઓગસ્ટ 2024માં કરવામાં આવ્યો હતો. ત્યારપછી એલપીજી એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. IOCL અનુસાર, હાલમાં દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયા છે. મુંબઈમાં તેની કિંમત 802.50 રૂપિયા છે, કોલકાતામાં તેની કિંમત 829 રૂપિયા છે અને ચેન્નાઈમાં LPG સિલિન્ડરની કિંમત 818.50 રૂપિયા છે.




















