Pepperfry ના કો- ફાઉન્ડર અને CEO અંબરીશ મૂર્તિનું નિધન, 2012માં બનાવી હતી ઓનલાઇન ફર્નિચર કંપની
Pepperfry ના કો- ફાઉન્ડર અને CEO અંબરીશ મૂર્તિનું નિધન થયું છે
ઓનલાઇન ફર્નિચર સ્ટોર Pepperfry ના કો- ફાઉન્ડર અને CEO અંબરીશ મૂર્તિનું નિધન થયું છે. તેઓ લેહમાં હતા અને તેમને હાર્ટ અટેક આવ્યો હતો. અંબરીશે 2012માં આશિષ શાહ સાથે 2012માં મુંબઈમાં ફર્નિચર અને હોમ ડેકોર કંપનીની સ્થાપના કરી હતી. તેઓ IIM કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. તેમને ટ્રેકિંગનો શોખ હતો. પેપરફ્રાય પહેલા અંબરીશ ઇબેમાં કન્ટ્રી મેનેજર હતા.
Extremely devastated to inform that my friend, mentor, brother, soulmate @AmbareeshMurty is no more. Lost him yesterday night to a cardiac arrest at Leh. Please pray for him and for strength to his family and near ones. 🙏
— Ashish Shah (@TweetShah) August 8, 2023
પેપરફ્રાયના અન્ય કો-ફાઉન્ડર આશિષ શાહે ટ્વીટ કરી જણાવ્યું હતું કે અંબરીશ લદ્દાખમાં હતા, જ્યાં તેમનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. આશિષ શાહે કહ્યું હતું કે 'ખૂબ જ દુઃખ સાથે જણાવી રહ્યો છું કે મારા મિત્ર, માર્ગદર્શક, ભાઈ અંબરીશ મૂર્તિ રહ્યા નથી. હાર્ટ અટેકને કારણે અમે ગઈકાલે રાત્રે લેહમાં તેમને ગુમાવી દીધા છે. કૃપા કરીને તેમના માટે અને તેમના પરિવાર અને પ્રિયજનોને શક્તિ મળે તે માટે પ્રાર્થના કરો.
2012માં પોતાની કંપનીની શરૂઆત કરી
અંબરીશે 1990ના દાયકાની શરૂઆતમાં દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું.1996 માં IIM કલકત્તામાંથી MBA પૂર્ણ કર્યા બાદ તેઓ કેડબરીમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાયા હતા. મૂર્તિ જૂન 1996માં કેડબરીમાં સેલ્સ અને માર્કેટિંગ પ્રોફેશનલ તરીકે જોડાયા હતા. પ્રખ્યાત ચોકલેટ કંપનીમાં તેઓ સાડા પાંચ વર્ષ સુધી રહ્યા હતા.
કંપનીએ તેમને એરિયા સેલ્સ મેનેજર બનાવીને કેરળ મોકલ્યા હતા. તેમણે વર્ષ 2001માં કેડબરી છોડી દીધી હતી. ત્યારબાદ અંબરીશે બે વર્ષ સુધી ICICI પ્રુડેન્શિયલ AMCમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાનું શીખ્યા હતા. 2003માં તેમણે ઓરિજિન રિસોર્સિસ, એક નાણાકીય તાલીમ સાહસ શરૂ કરવા માટે તેમની નોકરી છોડી દીધી હતી. 2005માં બ્રિટાનિયામાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી પર પરત ફર્યા હતા. સાત મહિના બાદ તેઓ eBay ઇન્ડિયા કંપનીમાં જોડાઇ ગયા. બે વર્ષમાં તેઓ ભારત, ફિલિપાઈન્સ અને મલેશિયાના કન્ટ્રી હેડ બન્યા.
eBay ભારતીય બિઝનેસમાં રોકાણ કરવા માંગતી ન હતી, તેથી તેમણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું. છ વર્ષ પછી 2012 માં તેમણે આશિષ શાહ સાથે મળીને પેપરફ્રાયની શરૂઆત કરી, જે ઘરની સજાવટ અને ફર્નિચર માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે.