Retail Inflation Data : મોંઘવારીમાંથી મળી મોટી રાહત, રિટેલ ફૂગાવો ઘટ્યો
ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં ઘટીને 4.67 ટકા પર આવી ગયો છે, જ્યારે ઓક્ટોબરમાં ખાદ્ય મોંઘવારી દર 7.01 ટકા હતો. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઘટાડો થયો છે.
Retail Inflation Data: મોંઘવારીને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.88 ટકાના 11 મહિનાના નીચા સ્તરે આવ્યો છે. જ્યારે ઓક્ટોબર 2022માં રિટેલ ફુગાવાનો દર 6.77 ટકા હતો. એક વર્ષ પહેલા નવેમ્બર 2021માં રિટેલ ફુગાવાનો દર 4.91 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં ધરખમ ઘટાડો થયો છે.
ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં ઘટીને 4.67 ટકા પર આવી ગયો છે, જ્યારે ઓક્ટોબરમાં ખાદ્ય મોંઘવારી દર 7.01 ટકા હતો. તેવી જ રીતે નવેમ્બર મહિનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઘટાડો થયો છે.
ખાદ્ય ફુગાવામાં તીવ્ર ઘટાડો
છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં ઘટાડો છે. ઓક્ટોબર 2022માં ખાદ્ય ફુગાવાનો દર 7.01 ટકા હતો જે નવેમ્બરમાં ઘટીને 4.67 ટકા થયો છે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર ઓક્ટોબરમાં 6.53 ટકા હતો, જે નવેમ્બરમાં ઘટીને 3.69 ટકા થયો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર ઓક્ટોબરમાં 7.30 ટકા હતો, જે નવેમ્બરમાં ઘટીને 5.22 ટકા થયો છે. ગ્રીન્સ અને શાકભાજીનો મોંઘવારી દર ઘટીને -8.08 ટકા થયો છે. તો ફળોનો મોંઘવારી દર 2.62 ટકા રહ્યો છે.
રિટેલ ફુગાવા ઘટ્યો
સૌથી મોટી રાહત એ છે કે રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના 6 ટકાના સહનશીલતા બેન્ડના ઉપલા સ્તરથી નીચે આવી ગયો છે. આરબીઆઈએ મોંઘવારી દર 2 થી 6 ટકાનો સહનશીલતા બેન્ડ નક્કી કર્યો છે. પરંતુ રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના સહનશીલતા બેન્ડથી સતત ઉપર હતો. એપ્રિલમાં, છૂટક ફુગાવાનો દર 7.79 ટકા પર પહોંચ્યો હતો, જે પછી, પાંચ નાણાકીય નીતિ બેઠકો પછી, આરબીઆઈએ ફુગાવાને નિયંત્રિત કરવા માટે રેપો રેટમાં વધારો કર્યો હતો. રેપો રેટ 4 ટકાથી વધીને 6.25 ટકા થયો છે.
મોંઘા EMIથી રાહત શક્ય
જો મોંઘવારીનો દરમાં સતત ઘટાડો યથાવત રહેશે તો આગામી વર્ષમાં વ્યાજદરમાં વધારા પર બ્રેક લાગી શકે છે. રેપો રેટ વધારવાની પ્રક્રિયા અટકી શકે છે. અને જો છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થશે તો વ્યાજ દરો પણ સસ્તા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ મોંઘવારીને લઈને ચારેકોર ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં જ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ મોંઘવારીનો મુદ્દો ખુબ ગાજ્યો હતો.