મોદી સરકારની વાપસીથી શેરબજારમા રેકોર્ડ તેજી, સેન્સેક્સ 2500, નિફ્ટી 733 પોઇન્ટના વધારા સાથે બંધ
ભારતીય બજાર નવી ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયું છે. સેન્સેક્સ 2507 પોઈન્ટ અથવા 3.39 ટકાના વધારા સાથે 76,469 પોઈન્ટ પર બંધ થયો હતો.
Stock Market Closing On 3 June 2024: ભારતીય શેરબજારે સતત ત્રીજી વખત કેન્દ્રમાં મોદી સરકારની વાપસીની આગાહી કરતા એક્ઝિટ પોલના કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઇતિહાસ રચ્યો હતો. ભારતીય બજાર નવી ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયું છે. 76,738.89 પોઈન્ટની વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ BSE સેન્સેક્સ 2507 પોઈન્ટ અથવા 3.39 ટકાના વધારા સાથે 76,469 પોઈન્ટ પર બંધ થયો હતો. 23,338 પોઈન્ટના હાઇ સુધી પહોંચ્યા બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ એક જ સેશનમાં 733 પોઈન્ટના વધારા સાથે 23,263ની સપાટીએ બંધ રહ્યો હતો.
Sensex, Nifty jump over 3 pc to settle at lifetime high levels
— Press Trust of India (@PTI_News) June 3, 2024
સરકારી કંપનીઓના શેરમાં તેજી
ભારતીય શેરબજારમાં આવેલી તેજીમાં મોટું યોગદાન અદાણી ગ્રુપની કંપનીઓ અને જાહેર ક્ષેત્રની બેન્કો અને PSU કંપનીઓનો મોટો ફાળો છે. બેન્કિંગ શેર્સમાં આવેલી તેજીના કારણે નિફ્ટી બેન્ક પ્રથમ વખત 51,000નો આંકડો પાર કરીને લગભગ 2000 પોઈન્ટના ઉછાળા સાથે 50,979 પોઈન્ટ પર બંધ થયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં જોરદાર ખરીદીને કારણે નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયા હતા.
માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર
ભારતીય શેરબજારમાં આવેલી આ ઐતિહાસિક તેજીના કારણે શેરબજારનું માર્કેટ કેપ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ 426.24 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 412.12 લાખ કરોડ રૂપિયા હતું. મતલબ કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 14.12 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
એસબીઆઇ 8 લાખ કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ
મોદી સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવવાની સંભાવનાને કારણે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો શેર લગભગ 10 ટકાના ઉછાળા સાથે 912.10 રૂપિયાના લાઇફટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે SBIના શેર 900 રૂપિયાને પાર કરી ગયા છે. SBIનો શેર 9.38 ટકાના વધારા સાથે રૂ. 908 પર ટ્રેડ થઈ રહ્યો છે. શેરમાં આટલા ઉછાળા પછી પ્રથમ વખત SBIનું માર્કેટ કેપ રૂ. 8 લાખ કરોડને વટાવીને રૂ. 811,604 કરોડ સુધી પહોંચી ગયું છે, જે છેલ્લા સત્રમાં 740,832 કરોડ રૂપિયા હતું. આજના સત્રમાં SBIના માર્કેટ કેપમાં લગભગ 71000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.