શેરબજારમાં ચાર દિવસની તેજીને લાગી બ્રેક, GDPના આંકડા પહેલા 340થી વધુ પોઈન્ટનો કડાકો, બેંકિંગ-ફાયનાન્સ શેર્સ ગબડ્યાં
Closing Bell: ભારતીય શેરબજાર ચાર કારોબારી દિવસ બાદ ઘટાડા સાથે બંધ રહ્યું છે.
Stock Market Closing, 31st May 2023: સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. આજે સવારે ઘટાડા સાથે માર્કેટની શરૂઆત થઈ હતી અને દિવસભર ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. આ પહેલાના બે કારોબારી અને ગત સપ્તાહના અંતિમ બે કારોબારી દિવસ દરમિયાન શેરબજાર વધારા સાથે બંધ રહ્યું હતું. આજના કડાકા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 283.66 લાખ કરોડ થઈ ગઈ છે, જે મંગળવારે 283.99 લાખ કરોડ હતી. આજે મેટલ, એનર્જી અને સરકારી બેંકો પર દબાણ જોવા મળ્યું.
આજે સેન્સેક્સ 346.89 પોઇન્ટના કડાકા સાથે 62622.24 પોઇન્ટ અને નિફ્ટી 99.45 પોઇન્ટ ઘટીને 18534.40 પોઇન્ટ પર બંધ રહ્યા. મંગળવારે સેન્સેક્સ 122.75 પોઇન્ટના વધારા સાથે 62969.13 પોઇન્ટ અને નિફ્ટી 35.2 પોઇન્ટ વધીને 18633.85 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 344.69 પોઇન્ટ અને નિફ્ટી 91.65 પોઇન્ટ વધીને બંધ થયા હતા. છેલ્લા કારોબારી દિવસમાં શેરબજારમાં આશરે 1100 પોઇન્ટનો વધારો થયો હતો.
આવનારા આંકડા
સ્થાનિક બજારમાં આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે જીડીપીના આંકડા થોડા સમય પછી જાહેર થવાના છે. માર્ચ ક્વાર્ટરના સત્તાવાર જીડીપીના આંકડા બુધવારે સાંજે બહાર આવવાના છે. જોકે જીડીપીના આંકડા અપેક્ષા કરતા સારા રહેવાની આશા છે.
આ કારણોને લીધે બજાર ઘટ્યું
આજે બજારના ઘટાડા પાછળ બાહ્ય પરિબળો જવાબદાર હતા. અમેરિકામાં ડિફોલ્ટનું જોખમ હજુ ટળ્યું નથી. અત્યાર સુધી અમેરિકી સંસદમાં ઉધાર મર્યાદા વધારવા માટે કોઈ ડીલ થઈ શકી નથી. આવી સ્થિતિમાં અમેરિકા ઇતિહાસમાં પ્રથમ વખત ડિફોલ્ટ થઈ શકે છે. બીજી તરફ ચીનની અર્થવ્યવસ્થા તરફથી નકારાત્મક સંકેતો મળી રહ્યા છે. આના કારણે બજાર પર દબાણ આવ્યું અને બેન્કિંગ અને ફાઇનાન્સ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો.
Sensex falls 346.89 points to settle at 62,622.24; Nifty declines 99.45 points to 18,534.40
— Press Trust of India (@PTI_News) May 31, 2023
આ મોટા શેરો ઘટ્યા
આજના કારોબારમાં સેન્સેક્સની 30માંથી 19 કંપનીઓને નુકસાન થયું હતું, જ્યારે 11 કંપનીઓના શેર મજબૂત બંધ રહ્યા હતા. એક્સિસ બેન્કમાં સૌથી વધુ 2.5 ટકાનો ઘટાડો થયો હતો.એનટીપીસી, એસબીઆઈ અને રિલાયન્સના શેરમાં પણ 2-2 ટકાથી વધુનું નુકસાન થયું હતું.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે સવારે BSE સેન્સેક્સ 129.16 અને NSE નો નિફ્ટી 39.65 પોઈન્ટ્સ ઘટાડા સાથે ખૂલ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 11 શેરમાં જ તેજી અને 19 શેરોમાં ઘટાડા જોવા મળ્યો હતો. આ સિવાય NSE નિફ્ટીના 50 માંથી માત્ર 22 શેર વધારા અને 28 શેરો ઘટાડા સાથે ખૂલ્યા હતા.