(Source: ECI/ABP News/ABP Majha)
Sensex Crash: ક્રૂડના ભાવમાં ભડકો બોલતા ભારતીય શેર બજાર ધડામ, સેન્સેક્સ 53000 નીચે તો નીફ્ટી 350 પોઈન્ટ ડાઉન
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં સ્પષ્ટ ગભરાટ છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી વધશે, જેની ચિંતા શેરબજારમાં જોવા મળી રહી છે.
Stock Market Update: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય સ્ટોક માર્કેટમાં 7 માર્ચે નિફ્ટી 15,900 ની નીચે ગેપ-ડાઉન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 1,326.62 પોઈન્ટ્સ અથવા 2.44% ઘટીને 53007.19 પર હતો અને નિફ્ટી 357.40 પોઈન્ટ્સ અથવા 2.20% ઘટીને 15888 પર ખુલ્યો હતો. લગભગ 561 શેર્સમાં તેજી છે તો 1588, શેરમાં ઘટાડો થયો છે અને 1,21 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, આઇશર મોટર્સ અને આઇસીઆઇસીઆઇ બેન્ક નિફ્ટીમાં મોટા નુકસાનકર્તાઓમાં હતા, જ્યારે ઓએનજીસી, કોલ ઇન્ડિયા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા સ્ટીલમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં સ્પષ્ટ ગભરાટ છે. નિક્કી 225 819 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે હેંગસેંગ 768 પોઈન્ટ્સ, તાઈવાનનો ઈન્ડેક્સ 3.15 ટકા એટલે કે 560 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. શાંઘાઈનો ઈન્ડેક્સ પણ 1.45 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ ઉછાળાને કારણે શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 140 ડોલરની નજીક પહોંચી ગયું છે, જે 2008 પછીનું સર્વોચ્ચ સ્તર છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી વધશે, જેની ચિંતા શેરબજારમાં જોવા મળી રહી છે, સાથે જ કંપનીઓના ખર્ચમાં પણ આના કારણે વધારો થશે.
ગયા સપ્તાહે શુક્રવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સેન્સેક્સ 768 પોઈન્ટ ઘટીને 54,338 પર અને નિફ્ટી 252 પોઈન્ટ ઘટીને 16,245 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જાન્યુઆરી 2022 માં, નિફ્ટી તેના 17826 ના સ્તરથી લગભગ 1600 પોઈન્ટ્સ નીચે આવી ગયો છે.
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોનું સૌથી વધુ વેચાણ થયું હતું. વિદેશી રોકાણકારોએ 4 માર્ચ 2022ના રોજ કુલ રૂ. 7,631 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. 26 ફેબ્રુઆરી 2021 પછી એક જ દિવસમાં વિદેશી રોકાણકારોનું આ મોટું વેચાણ છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. 4,739 કરોડના શેર ખરીદ્યા છે.