Tata Acquired Air India: હવે ટાટા ગ્રુપની હશે એર ઇન્ડિયા, 68 વર્ષ બાદ ફરી એક વખત ટાટા સન્સને મળી કમાન
2007માં ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયા બાદ એર ઇન્ડિયા ક્યારેય નફામાં રહી નથી.
Tata Acquired Air India: એર ઇન્ડિયા જે અસંખ્ય મુસાફરોને તેમના મુકામ પર લઈ ગઈ છે, તે એર ઇન્ડિયાને ખરીદાદર મળી ગયો છે. ટાટા સન્સે એર ઇન્ડિયાની બોલી જીતી છે. તેની ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાના વેચાણ માટે કરવામાં આવેલી બે બિડમાંથી સરકારે ટાટા ગ્રુપની પસંદગી કરી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહે એર ઇન્ડિયા ખરીદવા માટે છેલ્લી બિડ કરી હતી.
એર ઇન્ડિયાની ઘર વાપસી
- ટાટા ગ્રુપે 1932માં એર ઇન્ડિયાની શરૂઆત કરી હતી.
- ટાટા ગ્રુપના જે.આર.ડી ટાટા તેના સ્થાપક હતા.
- પહેલા એર ઇન્ડિયાનું નામ ટાટા એર સર્વિસ રાખવામાં આવ્યું હતું.
- 1938 સુધીમાં કંપનીએ તેની સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ કરી દીધી હતી.
- બીજા વિશ્વયુદ્ધ પછી તેને સરકારી કંપની બનાવવામાં આવી.
- આઝાદી પછી સરકારે તેમાં 49% હિસ્સો ખરીદ્યો.
- ટાટા સન્સે 23,286.5 કરોડ રૂપિયાના દેવાનો બોજ સહન કરવો પડશે
2007માં ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયા બાદ એર ઇન્ડિયા ક્યારેય નફામાં રહી નથી. માર્ચ 2021માં સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં એર ઇન્ડિયાને લગભગ 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની ધારણા છે. 31 માર્ચ 2019 ના રોજ કંપની પર કુલ 60,074 કરોડ રૂપિયાનું દેવું હતું. પરંતુ હવે ટાટા સન્સે આમાંથી 23,286.5 કરોડ રૂપિયાનું દેવું વહન કરવું પડશે.
હાલમાં, એર ઇન્ડિયા દેશમાં 4400 અને વિદેશમાં 1800 લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ નિયંત્રિત કરે છે.
એર ઇન્ડિયા આ રીતે બની સરકારી કંપની
બીજા વિશ્વયુદ્ધ પછી, સામાન્ય હવાઈ સેવા ભારતથી શરૂ થઈ અને પછી તેને એર ઈન્ડિયા નામ આપીને જાહેર ક્ષેત્રની કંપની બનાવવામાં આવી. વર્ષ 1947 માં દેશની આઝાદી પછી, રાષ્ટ્રીય એરલાઈનની જરૂરિયાત અનુભવાઈ અને ભારત સરકારે એર ઈન્ડિયામાં 49% હિસ્સો હસ્તગત કર્યો. આ પછી, 1953, ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને ટાટા ગ્રુપ પાસેથી કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો. આ રીતે એર ઈન્ડિયા સંપૂર્ણપણે સરકારી કંપની બની ગઈ.