Edible Oil: ખાદ્યતેલોના ભાવ વધુ ઘટશે! સરકાર આપી શકે છે ભાવ ઘટાડવાના નિર્દેશ
જોકે રિટેલ માર્કેટમાં તેની અસર જોવામાં થોડો સમય લાગશે. આગામી દિવસોમાં ખાદ્યતેલોના છૂટક ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.
નવી દિલ્હી: ખાદ્યતેલોના ભાવ ટૂંક સમયમાં વધુ ઘટી શકે છે. સરકારે તેની કિંમત ઘટાડવા માટે બુધવારે ઉદ્યોગ સાથે બેઠક બોલાવી છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો કરવા અંગે કંપનીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે ખાદ્ય મંત્રાલયે તેલ ઉદ્યોગ સંસ્થાઓ અને ઉત્પાદકોની બેઠક બોલાવી છે. આમાં વૈશ્વિક ભાવમાં ઘટાડાને અનુરૂપ ખાદ્યતેલના છૂટક ભાવમાં ઘટાડો લાવવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે. કંપનીઓએ ગયા મહિને ખાદ્યતેલોની છૂટક કિંમતમાં 10-15 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો.
વૈશ્વિક બજારમાં સસ્તી કિંમત
સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (SEA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં વિવિધ પ્રકારના ખાદ્ય તેલના ભાવમાં ટન દીઠ $300-450નો ઘટાડો થયો છે. જોકે રિટેલ માર્કેટમાં તેની અસર જોવામાં થોડો સમય લાગશે. આગામી દિવસોમાં ખાદ્યતેલોના છૂટક ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.
આ પહેલા 22 જૂને ખાદ્ય સચિવે કહ્યું હતું કે રિટેલ માર્કેટમાં ખાદ્યતેલોના ભાવ ઘટવા લાગ્યા છે. ઘણી ખાદ્ય તેલ કંપનીઓએ 10 થી 15 રૂપિયા પ્રતિ લીટરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભારત તેની ખાદ્યતેલની જરૂરિયાતના 60 ટકા કરતાં વધુ એકલા આયાત દ્વારા પૂરી કરે છે. વર્ષ 2020-21માં ભારતની ખાદ્યતેલની આયાત 131.3 લાખ ટન રહી હતી, જેમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.
તેનો લાભ હજુ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી
નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક બજારમાં ખાદ્યતેલોના ભાવમાં થયેલા જંગી ઘટાડાનો લાભ હજુ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી. સરકારની સૂચનાઓને પગલે કંપનીઓએ ગયા મહિને સામાન્ય ઘટાડો કર્યો હતો જે પૂરતો નથી. આજે મળનારી બેઠકમાં સરકાર ખાદ્યતેલોની મહત્તમ છૂટક કિંમત અંગે સૂચના જારી કરી શકે છે. આ ઉપરાંત સરકારની નજર ઘઉં અને લોટના છૂટક ભાવ પર પણ ટકેલી છે.