UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
યુજીસીએ ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવા માટે નવી ગાઇડલાઇનનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવા માટે નવી ગાઇડલાઇનનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. 'ગ્રેજ્યુએટ ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી રેગ્યુલેશન, 2024' હેઠળ, વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિ અવસરો અને ફ્લેક્સિબિલિટીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ માર્ગદર્શિકા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે બાઇએન્યુઅલ એડમિશન (બે વખત પ્રવેશ) અને ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામની સુવિધા આપે છે, જે ઉચ્ચ શિક્ષણમાં સમાવેશ અને મલ્ટિડિસિપ્લિનરી અભ્યાસને પ્રોત્સાહન આપશે.
યુજીસીના અધ્યક્ષ, પ્રોફેસર જગદીશ કુમારે જણાવ્યું હતું કે આ નવી માર્ગદર્શિકા ઉચ્ચ શિક્ષણમાં શિસ્તની કઠોરતાને ઘટાડવા, વિદ્યાર્થીઓને વધુ સુગમતા આપવા અને વિવિધ વિષયોમાં અભ્યાસ માટેની તકો પૂરી પાડવાનો પ્રયાસ છે. તેમના મતે આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુગમતા લાવવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ તેમની પસંદગીની દિશામાં અભ્યાસ કરે.
આ ખાસ સુવિધા
આ માર્ગદર્શિકામાં સૌથી મોટો ફેરફાર દ્વિવાર્ષિક પ્રવેશની સુવિધા છે. હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) જો તૈયાર હોય તો જૂલાઈ/ઓગસ્ટ અને જાન્યુઆરી/ફેબ્રુઆરીમાં પ્રવેશ આપી શકે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને એક જ સમયે બે યુજી અથવા પીજી પ્રોગ્રામ્સ કરવાની સ્વતંત્રતા પણ આપવામાં આવે છે, જે તેમને બહુવિધ કૌશલ્યો વિકસાવવાની તક આપશે.
બીજો મોટો ફેરફાર એ છે કે વિદ્યાર્થીઓ તેમના અગાઉના શિક્ષણ અથવા વિષયને ધ્યાનમાં લીધા વિના કોઈપણ UG અથવા PG પ્રોગ્રામમાં પ્રવેશ લઈ શકે છે, જોકે તેઓ સંબંધિત પ્રવેશ પરીક્ષામાં સફળ થયા હોવા જોઇએ. આ સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે આવતા અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સરળ ક્રેડિટ જરૂરિયાતો
નવા નિયમોમાં વિદ્યાર્થીઓ માટે ક્રેડિટ જરૂરિયાતો પણ સરળ કરવામાં આવી છે. યુજી ડિગ્રી માટે વિદ્યાર્થીઓએ તેમના મુખ્ય વિષયમાં ઓછામાં ઓછી 50 ટકા ક્રેડિટ મેળવવાની રહેશે. બાકીની ક્રેડિટ સ્કિલ ડેવલપમેન્ટ, એપ્રેન્ટિસશીપ અથવા મલ્ટિડિસિપ્લિનરી અભ્યાસ દ્વારા પરિપૂર્ણ કરી શકાય છે.
સંસ્થાઓ નવી નીતિઓ બનાવી શકશે
આ માર્ગદર્શિકા સાથે સંબંધિત અન્ય મહત્વપૂર્ણ પાસું એ છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓની હાજરી માટે તેમની પોતાની નીતિઓ બનાવી શકશે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સાથે સુસંગત હશે. આનાથી વિદ્યાર્થીઓને વધુ સુગમતા અને સમાયોજનની તક મળશે.