Vodafone Idea: વોડાફોન આઈડીયાના શેરધારકોએ 20 હજાર રુપિયા એકત્ર કરવાની આપી મંજૂરી આપતાં જ શેરમાં આવ્યો ઉછાળો
Vodafone Idea Update: નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા વોડાફોન આઈડિયાના શેરધારકોએ કંપનીને ઈક્વિટી અને ઈક્વિટી લિન્ક્ડ સિક્યોરિટીઝ દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે.
Vodafone Idea Update: નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા વોડાફોન આઈડિયાના શેરધારકોએ કંપનીને ઈક્વિટી અને ઈક્વિટી લિન્ક્ડ સિક્યોરિટીઝ દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. શેરધારકોની આ મંજૂરી બાદ એવું માનવામાં આવે છે કે કંપની એપ્રિલથી જૂન સુધીના આ ત્રિમાસિક ગાળા દરમિયાન નાણાં એકત્ર કરી શકે છે. કંપનીના પ્રમોટરો પણ આ સૂચિત ફંડ એકત્ર કરવાની કવાયતમાં ભાગ લેશે.
સ્ટોક એક્સચેન્જમાં કંપનીનો શેર રૂ. 14 પર પહોંચી ગયો હતો
વોડાફોન આઈડિયાના શેરધારકો પાસેથી ભંડોળ એકત્ર કરવાની મંજૂરી મળ્યા બાદ, સ્ટોક એક્સચેન્જમાં કંપનીનો શેર રૂ. 14 પર પહોંચી ગયો હતો. મંગળવારના બંધ સ્તરથી શેરમાં 4.09 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બજાર બંધ થતાં શેર 1.12 ટકાના ઉછાળા સાથે રૂ.13.60 પર બંધ થયો હતો. આ ભંડોળ એકત્ર કરવાની કવાયત દ્વારા, વોડાફોન આઈડિયાને તેના 4G નેટવર્કને વિસ્તારવામાં મદદ મળશે અને તે 5G મોબાઇલ સેવાઓ પણ શરૂ કરવામાં સક્ષમ બનશે. ફેબ્રુઆરી 2024 માં, વોડાફોન આઈડિયાના પ્રમોટર આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે તેઓ કંપની માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે કંપની બાહ્ય રોકાણકારોની શોધમાં છે.
કંપની પર 2.14 લાખ કરોડ રૂપિયાનું કુલ દેવું બાકી છે
વોડાફોન આઈડિયા ઈક્વિટી અને ડેટ દ્વારા કુલ રૂ. 45,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. જોકે, ઘણા બ્રોકરેજ હાઉસે ફંડ એકત્ર કરવાના કંપનીના પ્રયાસોને અપૂરતા ગણાવ્યા છે. બ્રોકરેજ હાઉસ નોમુરાએ રૂ.7ના ટાર્ગેટ સાથે સ્ટોક વેચવાની સલાહ આપી હતી. કંપની પર 2.14 લાખ કરોડ રૂપિયાનું કુલ દેવું બાકી છે.
27 ફેબ્રુઆરી, 2024 ના રોજ, જ્યારે કંપનીએ ભંડોળ એકત્ર કરવાની જાહેરાત કરી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે એકત્ર કરાયેલ ભંડોળ 4G કવરેજ વધારવા તેમજ 5G સેવાના રોલઆઉટ પર ખર્ચવામાં આવશે. રિલાયન્સ જિયો અને એરટેલ પહેલેથી જ 5G સેવા શરૂ કરી ચૂક્યા છે પરંતુ વોડાફોન આઈડિયા હજી સુધી તેમ કરી શક્યું નથી.
Disclaimer: (અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com કોઈને નાણા રોકાણ કરવાની સલાહ આપતું નથી.)