શુક્રવારે શેરબજારોમાં બોલેલા કડાકા પાછળનું કારણ જાણીને ચોંકી જશો, જાણો રોકાણકારોને છે શાનો ભય ?
ગુરૂવારે સેન્સેક્સ 454 અંક વધી 58795 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 121 અંક વધી 17536 પર બંધ રહ્યો હતો.
મુંબઈઃ ભારતીય શેરબજારોમાં ગુરુવારે જોવા મળેલી તેજી પછી શુક્રવારે જોરદાર કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ એક તબક્કે 1300 પોઈન્ટ તૂટી ગયો હતો ને થોડાક કરેક્શન પછી પણ સાડા અગિયાર વાગે 1250 પોઈન્ટ ડાઉન હતો. ગુરૂવારની તેજી પછી શેરબજારમાં બોલેલા કડાકા માટે કોવિડ-19નો નવો વેરિયન્ટ જવાબદાર મનાય છે. કોરોના વાયરસનો નવો વેરીયન્ટ આવવાથી ઈકોનોમીની રિકવરીને અસર થઈ શકે છે એ ડરથી ચાલુ સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે બજારમાં ભારે કડાકો બોલી ગયો હતો. કોરોના જતો રહ્યો હોવાની માન્યતા વચ્ચે દક્ષિણ આફ્રિકા, બોત્સવાના વગેરે દેશોમાં કોરોનાનો નવો વેરીયન્ટ દેખાતાં રોકાણકારો ફફડી ગયા છે.
ગુરૂવારે સેન્સેક્સ 454 અંક વધી 58795 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 121 અંક વધી 17536 પર બંધ રહ્યો હતો. જો ક શુક્રવારે સવારે બજાર ખૂલતાં જ કડાકો બોલ્યો હતો. શુક્રવારે સવારે 10.49 કલાકે સેન્સેક્સ 1300 અંક ઘટીને 57,452 પર આવી ગયો હતો જ્યારે નિફ્ટી 408 અંક ઘટી 17,127 પર આવી ગયો હતો.
શુક્રવારે 11માંથી 10 સેક્ટરલ ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. ફાર્મા સિવાય બાકીના તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં કડાકો બોલ ગયો હતો. સૌથી વધુ ઘટાડો રિયલ્ટી, મીડિયા અને બેન્કિંગ સ્ટોક્સમાં જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 બ્લુ-ચીપ મનાતા શેરોમાંથી 26 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડો.રેડ્ડી, સનફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે સિવાયના શેરોમાં કડાકો બોલ્યો હતો. આ ચાર શેરના ભાવ વધ્યા હતા. સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ, મારુતિ, ટાઈટન અને કોટક મહિન્દ્રા બેન્કમાં જોવા મળી રહ્યો છે.
એશિયાઈ બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિક્કેઈ 225માં 2 ટકાથી વધુ કડાકો બોલી ગયો હતો. સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગમાં 1 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. તાઈવાન વેટેડ, કોસ્પી અને શંઘાઈ કમ્પોઝિટમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. અમેરિકાનાં બજાર ગુરુવારે બંધ હતાં. અમેરિકામાં આગામી દિવસમાં મોંઘવારી અને લેબર ડેટા આવવાના છે તેના પર સૌની નજર છે.