Delhi Omicron Case: મુંબઈ બાદ દિલ્હીમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી, વિદેશથી પરત આવેલ વ્યક્તિ થયો સંક્રમિત
દિલ્હીમાં પ્રથમ ઓમિક્રોન કેસ સામે આવ્યો છે. . આ વ્યક્તિ તાન્ઝાનિયાથી આવ્યો છે. જો કે હાલમાં આ માત્ર સંભવિત કેસ છે.
Delhi Omicron Case: દિલ્હીમાં પ્રથમ ઓમિક્રોન કેસ સામે આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના જણાવ્યા અનુસાર, અન્ય દેશોમાંથી આવનાર તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. બહારના 17 લોકો પોઝિટિવ મળી આવ્યા છે, આ સિવાય તેમના પરિવારના 6 લોકો પણ પોઝિટિવ મળી આવ્યા છે. કુલ 23 લોકો એવા છે જેમની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે. જીનોમ સિક્વન્સિંગ બાદ 12 લોકોના રિપોર્ટ આવ્યા છે, જેમાં એક વ્યક્તિના પ્રારંભિક રિપોર્ટમાં ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિ તાન્ઝાનિયાથી આવ્યો છે. જો કે હાલમાં આ માત્ર સંભવિત કેસ છે, તેનો અંતિમ રિપોર્ટ આવતીકાલે આવશે. પ્રારંભિક રિપોર્ટમાં તે ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે વારંવાર માંગ કરી છે કે, જ્યાં પણ ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાય છે, ત્યાંથી ફ્લાઈટ્સ બંધ કરી દેવી જોઈએ. કેન્દ્ર સરકારે આ અંગે જલ્દી નિર્ણય લેવો જોઈએ. આ નિર્ણય Omicron વેરિઅન્ટને દેશમાં ફેલાતો રોકવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આ કોરોનાનું નવું વેરિઅન્ટ છે, તેને જૂના વેરિઅન્ટની જેમ ગણવામાં આવી રહ્યું છે. લોકોને અપીલ કરતા સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે જે લોકો ઘરની બહાર નીકળે છે તેઓ માસ્ક પહેરે. જેમણે રસી લીધી નથી, તેઓએ પણ જલ્દી રસી જોઇએ.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે એન્ટ્રી કરી છે. મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી વિસ્તારમાં વિદેશથી પરત આવેલા એક વ્યક્તિને ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના નિર્દેશકે આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે ગુજરાતમાં એક 72 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા.
ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિની ઉંમર 33 વર્ષ છે અને તે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો છે. નોંધપાત્ર રીતે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટનો આ પ્રથમ કેસ છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં ચાર કેસની પુષ્ટિ થઈ છે. જેમાં પહેલા બે કેસ કર્ણાટકમાં અને ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયા છે. કર્ણાટકમાં સંક્રમિત મળી આવેલા બંને લોકોની ઉંમર 66 વર્ષ અને 46 વર્ષની હતી.
ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.