Gandhinagar: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો આજે ભરતી મેળો, 11 હજારથી વધુ લોકો ધારણ કરશે કેસરિયા
Gandhinagar: અમદાવાદના અમરાઈવાડીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં જોડાશે
Gandhinagar: આજે ભાજપનો ફરી વાર ભરતી મેળો યોજાશે. અંદાજિત 11 હજાર લોકો આજે કેસરિયો ધારણ કરશે. આજના ભરતી મેળામાં અમદાવાદના અમરાઈવાડીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે. સવારે 11 કલાકે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે.
ભાજપના આજના ભરતી મેળામાં અમદાવાદની અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ, કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પૂર્વ પ્રમુખ કરણસિંહ તોમર અને ક્વાંટ તાલુકાના પૂર્વ પ્રમુખ પિન્ટુ રાઠવા કેસરિયા કરશે. ધર્મેન્દ્ર પટેલ 2017 વિધાનસભા ચૂંટણીમાં અમરાવાઈવાડી બેઠકથી કોંગ્રેસની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તો પિન્ટુ રાઠવા ક્વાંટ તાલુકા પંચાયત ચૂંટણી બાદ બળવો કરીને પ્રમુખ બન્યા હતા. જે બાદ તેમને રાજીનામું આપ્યુ હતુ. અને હવે તેઓ ફરી એક વખત ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે.
પૂર્વ મંત્રી નારણ રાઠવા આજે ભાજપમાં જોડાશે
લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નારણ રાઠવા આજે ભાજપમાં જોડાશે. તેઓની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાશે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પહોંચે એ પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો હતો. આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયો ધારણ કરશે. માર્ચ મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થશે તે અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તાર દાહોદ, ગોધરા અને પંચમહાલમાંથી પસાર થવાની છે ત્યારે એ પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુરથી પાંચ વખત લોકસભાના સાંસદ રહેલા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાશે. નારણ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે અને આદિવાસી સમાજનો મોટો ચહેરો છે.
67 વર્ષીય નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ હતા. નારણ રાઠવા વર્ષ 1989માં લોકસભા જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી વર્ષ 1991, 1996, 1998 અને 2004માં પણ ચૂંટણી જીત્યા હતા. નારણ રાઠવા 2004થી 2009 સુધી UPA-1માં રેલવે રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જે બાદ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેમનો પરાજય થયો હતો. આ પછી તેમને લગભગ 10 વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું નહોતું. જો કે વર્ષ 2008માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જો કે હવે નારણ રાઠવાના ભાજપમાં પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે છે.