આવતીકાલે ગાંધીનગરમાં ભાજપની બેઠક, તમામ ધારાસભ્યોને હાજર રહેવા સીઆર પાટીલની સૂચના, શું લેવાશે મોટો નિર્ણય?
ગુજરાત ભાજપે આવતીકાલે એટલે કે શનિવારે 11 વાગ્યે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કર્યું છે.

ગુજરાત ભાજપે આવતીકાલે એટલે કે શનિવારે 11 વાગ્યે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાવવા જઇ રહી છે. સીઆર પાટીલે ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોને શનિવારે બેઠકમાં હાજર રહેવાની સૂચના આપી હતી. આ બેઠકમાં સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઇને ચર્ચા કરવામાં આવે તેવી અટકળો વહેતી થઇ છે. કારણ કે આ બેઠકમાં ધારાસભ્યો સિવાય રાષ્ટ્રીય મહાસચિવ અને SC મોરચાના ઈન્ચાર્જ તરૂણ ચૂંગ પણ હાજર રહે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે આ અટકળોને બળ મળ્યું છે.
મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરમાં આવતીકાલે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં હાજર રહેવા માટે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટે સીઆર પાટીલે સૂચના આપી હતી. જેને લઇને અનેક રાજકીય અટકળો વહેતી થઇ હતી. બેઠકમાં સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઇને પણ ચર્ચા કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે સૂત્રોએ દાવો કર્યો હતો કે સેવા પખવાડિયાની ઉજવણીની તૈયારી માટે આ બેઠક બોલાવવામાં આવી છે. 14 તારીખથી ભાજપ સેવા પખવાડિયું ઊજવશે. બેઠકમાં રાષ્ટ્રીય મહાસચિવ,SC મોરચાના ઈંચાર્જ તરુણ ચૂંગ પણ બેઠકમાં હાજર રહેશે.
નોંધનીય છે કે ગઇકાલે સુરતના મજુરા વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલનમાં સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી પર સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે હું આવતીકાલે પ્રમુખ ન પણ હોય. હું પ્રમુખ ન જ હોવો જોઈએ. મે અનેક વખત કહ્યું છે એક વ્યક્તિને બે હોદ્દા ન આપવા જોઈએ. નિર્ણય થઈ જશે તો નેતાઓ જાહેર કરશે.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે થાંભલો ઉભો રાખો તો જીતી જાય. એ કોંગ્રેસનું ઘમંડ હતું. કોંગ્રેસની આજે સ્થિતિ દેખાય છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પણ ભાજપ ખૂબ જ મજબૂત થયું છે. કેન્દ્રમાં ત્રીજી ટર્મ થઈ ગઈ છે હજુ પણ દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી નજીક પણ નહીં આવી શકે. 60- 70 વર્ષ દેશમાં રાજ કર્યા બાદ પણ આજે લોકોને મફત અનાજ આપવું પડે છે તો કોંગ્રેસે શું કામ કર્યા હશે. ગેસ એક લક્ઝરી હતી, વર્ષો સુધી કનેક્શન મળતા નહોતા. મારા ઘરે પણ વર્ષો પહેલા ગેસ આવ્યો ત્યારે મારી પત્નીએ ખુશીમાં લાપસી બનાવી હતી. આજે પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં ગેસ ઘર- ઘર સુધી પહોંચાડી દીધો છે.
કોંગ્રેસના અધિવેશન પ્રહાર કરતા પાટીલે કહ્યું કે આજે અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી છે. મારે પૂછવું છે આ પહેલા ક્યા નેતા અને ક્યારે સરદાર વલ્લભભાઈને ફૂલહાર કરવા ગયા હતા. પાટીલે આરોપ મૂક્યો કે દિલ્હીમાં સરદાર પટેલના સ્મારક માટે કોંગ્રેસે જગ્યા પણ આપી નથી. તેમણે કોંગ્રેસને પડકાર ફેંક્યો કે એક પણ કોંગ્રેસી નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલના દર્શન કરવા ગયા હોય તે બતાવે.





















