Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain: કમોસમી વરસાદના કારણે રાજ્યમાં અનેક ખેડૂતોને નુકસાન થયું છે
Unseasonal Rain: કમોસમી વરસાદના કારણે રાજ્યમાં અનેક ખેડૂતોને નુકસાન થયું છે. રાજ્ય સરકારે માવઠાથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવાના આદેશ પણ આપી દીધા હતા. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. માવઠાની આગાહીને લઇને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઇ હોવાની માહિતી પણ તેમણે આપી હતી.
કૃષિ મંત્રીએ ખેતીવાડી વિભાગને માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની સૂચના આપી દીધી છે. કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરાઇ છે. ખેડૂતોને ખેતીપાકોને ઢાંકીને રાખવા કૃષિ વિભાગે સૂચના આપી હતી. 17 મે બાદ નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતા છે. માવઠાથી ખેતી પાકોને વ્યાપક નુકસાનીનો અંદાજ છે. મુખ્યમંત્રીએ ગતરાત્રિના રોજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. કૃષિમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ઉદભવેલી સ્થિતિ અંગે સરકાર ચિંતિત છે.
વળતર ચૂકવવા કોંગ્રેસે કરી માંગ
માવઠાથી નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની કોંગ્રેસે માંગ કરી હતી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી. ચાવડાએ કહ્યું હતું કે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયુ છે. સર્વે માત્ર કાગળ પર નહીં પણ વળતર ચૂકવામાં આવે. ગત વર્ષમાં નુકસાનીની સહાય પણ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થાય છે.
જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે. હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વીઘા દીઠ બે હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે માવઠુ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હતું. તેમાંય હવે માવઠુ વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ છે. કેરી પકવતા ખેડૂતોએ સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.