રાજ્યમાં કોરોના વિસ્ફોટ થતા ક્યા IAS અધિકારીને સોંપાઇ ક્યા જિલ્લાની જવાબદારી
રાજ્યમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર IAS અધિકારીઓને વિવિધ જિલ્લાના પ્રભારી સચિવ બનાવાયા છે
ગાંધીનગરઃ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર IAS અધિકારીઓને વિવિધ જિલ્લાના પ્રભારી સચિવ બનાવાયા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે 33 જિલ્લામાં IAS અધિકારીઓની પ્રભારીઓની નિયુક્તિ કરી છે. રાજ્યના ૩૩ જિલ્લાઓની અસરકારક દેખરેખ અને નિયંત્રણ માટે સરકાર દ્વારા IAS અધિકારીઓની નિમણૂક જે તે જિલ્લાના પ્રભારી તરીકે કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર-સંબંધિત મનપા દ્વારા લેવામાં આવેલા પગલાનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્ર મનપાએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવા માટે સંબંધિત જિલ્લા પ્રભારી સચિવને તેમની મૂળ ફરજ ઉપરાંત તાત્કાલિક અસરથી નિમણૂંક કરવામાં આવી છે. રાજ્ય સરકારના 28 ઓક્ટોબર 2021 હુકમથી જિલ્લાઓ માટે પ્રભારી સચિવોની નિમણૂંક કરવામાં આવી હતી.
અગાઉ પણ કોરોનાની બીજી લહેર વખતે IAS અધિકારીઓને અલગ-અલગ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. નવા આદેશ અનુસાર અમદાવાદના પ્રભારી સચિવ તરીકે IAS મુકેશ કુમારને જવાબદારી સોંપવામાં આવી છે. તો ગાંધીનગરના પ્રભારી સચિવ તરીકે IAS મિલિંદ તોરવણેને, જામનગરના પ્રભારી સચિવ તરીકે IAS નલિન ઉપાધ્યાય, જૂનાગઢના પ્રભારી સચિવ તરીકે IAS હરિત શુક્લાને, કચ્છના પ્રભારી સચિવ તરીકે IAS હર્ષદ પટેલ, રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે IAS રાહુલ ગુપ્તા, સુરતના પ્રભારી સચિવ તરીકે IAS એન. થેન્નારસન, વડોદરાના પ્રભારી સચિવ તરીકે IAS ડૉ. વિનોદ રાવ, ભાવનગરના પ્રભારી સચિવ તરીકે IAS સોનલ મિશ્રાને જવાબદારી સોંપવામાં આવી છે.
કોવિડ-19ની પરિસ્થિતિ અનુસંધાને અગાઉ જિલ્લાઓમાં જેમને પ્રભારી સચિવ તરીકે કામગીરી કરી હોય, તેમાં સાતત્ય જળવાઇ રહે તે હેતુથી તારીખ 28 ઓક્ટોબર 2021ના આદેશમાં ફેરફાર કરી નીચે મુજબના IAS અધિકારીઓને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક કરાઈ છે.
આ પણ વાંચોઃ