(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યનો ધડાકોઃ ભાજપે મને નાણાં આપેલાં પણ કોઈને ......કરોડથી વધારે મળ્યા નથી....
આ વીડિયો કઈ હોટલ કે સરકારી ગેસ્ટ હાઉસમાં લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સોમાભાઈ એક વ્યક્તિ સાથે હસતાં હસતાં રાજકીય સોદાબાજી કરી હોવાનો દાવો કરી રહ્યાં છે.
ગાંધીનગરઃ ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે આજે કોંગ્રેસે ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલનો એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સોમાભાઈએ પોતે ભાજપ સાથે પૈસા લઈને સોદાબાજી કરીને રાજીનામું આપ્યું હોવાની વાત સ્વિકારી છે.
સોમાભાઈ આ વીડિયોમાં એવું કહેતા સંભળાય છે કે, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે નાણાં આપ્યાં જ હશે. તેમણે પોતાને નાણાં મળ્યાનું કબૂલતાં કહ્યું કે, બીજાંને જે મળ્યા એ મને મળ્યા. તેમણે એમ પણ કહ્યું કે, કોઈને નાણાં આપીને તો કોઈને ટિકિટ આપીને તોડ્યા પણ કોઈને દસ કરોડથી વધારે મળ્યા નથી.
આ વીડિયો કઈ હોટલ કે સરકારી ગેસ્ટ હાઉસમાં લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સોમાભાઈ એક વ્યક્તિ સાથે હસતાં હસતાં રાજકીય સોદાબાજી કરી હોવાનો દાવો કરી રહ્યાં છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયાએ આ વીડિયોના પગલે ભાજપ પર પ્રજાના મતની ખરીદી કરવામાં આવતી હોવાનો આક્ષેપ મૂક્યો છે. સ્ટીંગ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અમિત ચાવડા અને અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપના શાસકો દ્વારા પ્રજાના મતની ખરીદી કરવામાં આવી રહી છે. ચાવડાએ કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓના સોદા કરવામાં આવે છે. ભાજપ દ્વારા કરોડો રૂપિયાની સોદાબાજી કરીને MLAની ખરીદી કરાઈ રહી છે. આ અંગે ન્યાયિક તપાસ થવી જોઈએ. મની લોન્ડરીંગ અને ACBએ કેસ કરી તપાસ કરવી જોઈએ એવી માંગણી કરી હતી.