ગાંધીનગરમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં સાબરમતીમાં ડૂબ્યા પાંચ યુવકો, એકનું મોત
ગાંધીનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં પાંચ યુવકો સાબરમતી નદીમાં ડૂબ્યા હતા.

ગાંધીનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં પાંચ યુવકો સાબરમતી નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી એક યુવકનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના ફતેપુરા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ગુરુવારે 5 યુવાનો નદીની વચ્ચે રીલ્સ બનાવવા ગયા હતા. નદી વચ્ચે ટેકરી પર રીલ બનાવતા સમયે માટી ધસી પડી હતી જેના કારણે પાંચેય યુવકો નદીમાં ડૂબ્યા હતા. ચાર યુવકો નદીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા પરંતુ અબરાર ઉર્ફે મોહમ્મદ નિઝામુદ્દીન શેખનું પાણીમાં ગરકાવ થઈ જતા મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેક કલાકની ભારે જહેમત પછી મોહમ્મદની લાશ બહાર કાઢવામાં આવી હતી.
ફતેપુરા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં પાંચ મિત્રો ફરવા ગયા હતા. તે દરમિયાન નદીમાં રીલ બનાવતી સમયે માટી ધસી પડતા તમામ ડૂબ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 29 ખાતે ચ-7 સર્કલ પાસે આવેલી અમાનપાર્ક સોસાયટીમાં રહેતા પાંચ મિત્રો રીલ બનાવવા માટે સાબરમતી નદીએ ગયા હતા. ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે સંત સરોવરમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા નદીમાં ન્હાવા કે નજીક જવાની મનાઈ ફરમાવી હતી તેમ છતાં પાંચ યુવકો નદીએ રીલ બનાવવા ગયા હતા. દરમિયાન તેઓ માટીની એક નાની ટેકરી ઉપર બેઠા હતા. અચાનક માટી ધસી પડતા બધા મિત્રો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી ચાર મિત્રો નદીમાંથી બહાર નીકળી જતા તેમનો જીવ બચ્યો હતો પરંતુ મોહમ્મદ નિઝામુદ્દીન શેખનું મોત થયું હતું. પેથાપુર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લાં કેટલાક દિવસોથી ચેતવણી જાહેર કરીને ભયજનક જાહેર કર્યા હતા અને ત્યાં જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમ છતાં યુવકો ત્યાં રીલ બનાવવા ગયા હતા. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ કલાકની શોધખોળ બાદ મોહમ્મદનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.





















