Maha Matdan: શિક્ષકોએ સરકાર સામે બાંયો ચઢાવી, આ 11 માંગણીઓ સાથે ગાંધીનગરમાં 9મીએ યોજશે મહાપંચાયત
વિધાનસભાની 2022ની ચૂંટણી સમયે માગણીઓ મુદ્દે સરકાર અને સરકારી કર્મચારીઓ વચ્ચે થયેલા સમાધાનની અમલવારી ના થતાં સરકારી કર્મચારીઓએ લોકસભાની ચૂંટણી આવતા ફરી આંદોલનનો માર્ગ પકડ્યો છે

Maha Matdan, Gandhinagar News: આગામી લોકસભા પહેલા ગુજરાતમાં ફરી એકવાર આંદોલનના એંધાણ દેખાઇ રહ્યાં છે. ગુજરાતના સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર સામે બાંયો ચઢાવી રહ્યાં છે. આ કર્મચારીઓએ પોતાની 11 જેટલી માંગણીઓને લઇને એક્શન લેવાનું શરૂ કર્યુ છે. જૂની પેન્શન યોજનાને લઈને સરકાર અને કર્મચારી યૂનિયનો સામસામે આવી ગયા છે. જૂની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નોને લઈને આજે કર્મચારી મંડળોનું મહામતદાન થવાનું છે. આજે કર્મચારી યૂનિયનોએ મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે. બીજીતરફ સરકારે પણ વિરોધને લઇને મતદાન અને પેનડાઉન કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે.
અગાઉ સમાધાન થયું છતાં ઉકેલ ના આવ્યો....
વિધાનસભાની 2022ની ચૂંટણી સમયે માગણીઓ મુદ્દે સરકાર અને સરકારી કર્મચારીઓ વચ્ચે થયેલા સમાધાનની અમલવારી ના થતાં સરકારી કર્મચારીઓએ લોકસભાની ચૂંટણી આવતા ફરી આંદોલનનો માર્ગ પકડ્યો છે. સમગ્ર રાજ્યમાં આજે આખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘની આગેવાનીમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે માગણીઓના મતદાન સ્વરૂપે આંદોલન શરૂ કર્યું છે. જેમાં માગણીઓના બેલેટ પેપર ઉપર ચૂંટણીની જેમ મતદાન કરવામાં આવી રહ્યું છે. વિવિધ સ્થળે મતકુટીર બનાવીને મતદાન કરવામાં આવી રહ્યું છે. સાંજના 6 કલાક સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. જેમાં શાળાઓ બાદ સરકારી કચેરીઓમાં ફરતી મતકુટીર જશે અને મતદાન કરાવાશે. શાળાઓમાં આજે શિક્ષકો શૈક્ષણિક કાર્ય બંધ રાખી લડત ચલાવશે. આગામી 2 દિવસોમાં સરકાર આશ્વાસન નહીં આપે તો 9મી માર્ચના રોજ ગાંધીનગરમાં કર્મચારીઓની મહાપંચાયત મળશે. ખાસ વાત છે કે, આ આંદોલનમાં કુલ 11 જેટલી માંગણીઓ રાખવામાં આવી છે, જુઓ અહીં....
બેલેટ પેપરમાં છાપેલી માગણીઓ -
1. ગુજરાત રાજ્યના તમામ શિક્ષક તથા તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો.
2. સરકાર સાથે થયેલા સમાધાન અનુસાર 1 એપ્રિલ 2025 પહેલા નિયુક્ત શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા.
3. સાતમા પગાર પંચ મુજબ તમામ પ્રકારના બધા તથા લાભ કેન્દ્રના કર્મચારીઓની જેમ આપવામાં આવે.
4. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના જૂના શિક્ષકની ભરતીના નિયમો સત્વરે બનાવી શાળા બદલવાનો લાભ આપવો.
5. નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો.
6. કૉન્ટ્રાક્ટ ફિક્સ પગાર યોજના બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવી.
7. પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને 22 એપ્રિલ 2022ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરી માંગ અનુસાર 1997થી અત્યાર સુધી તથા હવે જોડાનારા ફિક્સ પગારીને નિમણૂંક તારીખથી રજાઓની કપાત ન ગણી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો.
8. મહાનગરપાલિકાના જિલ્લા ફેરથી આવેલા શિક્ષકોને નિવૃત્તિ સમયે ફરજ પરના જિલ્લા કે મહાનગરમાં પેન્શન મંજૂર થાય તેવો ઠરાવ કરવો.
9. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા મહાનગરપાલિકાના શિક્ષકોને એરિયસ સાથે 4200 ગ્રેડ-પેનો લાભ આપવો તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકને ફાજલનું કાયમી રક્ષણ આપવું.
10. HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા.
11. સરકારી શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્ય એલાઉન્સ તથા વેકેશન દરમિયાન બજાવેલી ફરજની પ્રાપ્ત રજાઓ સર્વિસ બુકમાં જમા આપવી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
