News: દલિત વરઘોડામાં માર મારવાની ઘટનાને લઇને જીગ્નેશ મેવાણીના સરકાર પર આકરા પ્રહાર, કોંગ્રેસ-આપે પણ વખોડી
ગઇકાલે પાટનગર ગાંધીનગરમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી હતી, જિલ્લાના ચડાસણા ગામે એક દલિત યુવકના વરઘોડાને રોકવામાં આવ્યો હતો
Gandhinagar News: ગઇકાલે ગાંધીનગરના ચડાસણામાં બનેલી વરઘોડાની મારામારીની ઘટનાના પડધા હવે વિધાનસભા સુધી પહોંચ્યા છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજ પર થઇ રહેલા અત્યાચર પર હવે સરકાર સામે નિશાન તાક્યુ છે, અનેક સવાલો કર્યા છે. ચડાસણાની ઘટનાને લઈ મેવાણીના સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, આ ઘટનાને જીગ્નેશ મેવાણીએ વખોડી કાઢી છે, જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, સમાજમાં એકતાને લઈ સરકાર કોઈ અભિયાન નથી ચલાવતી, વિધાનસભામાં પણ મે આ મુદ્દાઓ ઉઠાવ્યા છે. ચડાસણા ગામે લગ્ન પ્રસંગે વરરાજાને માર માર્યો અને બાદમાં ઘોડી વાળાને ધમકાવી ઘટનાસ્થળેથી ભગાડી મુક્યો હતો. જાતિ આધારીત ભેદભાવ ક્યારે થશે બંધ થશે.
ગઇકાલે પાટનગર ગાંધીનગરમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી હતી, જિલ્લાના ચડાસણા ગામે એક દલિત યુવકના વરઘોડાને રોકવામાં આવ્યો હતો, એટલું જ નહીં બાદમાં વરરાજાને ઘોડી પરથી ઉતારીને માર માર્યો હતો. ગામના ચાર માથાભારે શખ્સોએ જાન લઇને આવેલા દલિત પરિવારને વરઘોડા કાઢવાની ના પાડી દીધી હતી, અને બાદમાં તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે માણસા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી, હવે પોલીસે આ ઘટનામાં ચાર આરોપીઓની અટકાયત કરી છે.
પોલીસે આ શખ્સોની કરી અટકાયત -
શૈલેષજી સરતાનજી ઠાકોર
જયેશકુમાર જીવણજી ઠાકોર
સમીરકુમાર દિનેશજી ઠાકોર
અશ્વિનકુમાર રજૂજી ઠાકોર
ચડાસણાની આ ઘટના જીગ્નેશ મેવાણીના વિરોધ બાદ કોંગ્રેસ અને આપે પણ વખોડી કાઢી હતી, અને સરકારને આ ઘટના પર દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
એક બાટી ઓછી આપવા બાબતે દલિત યુવાને હૉટલ માલિકને કરી રજૂઆત, થઇ મારામારી, દલિત યુવાનનું મોત
મહિસાગરમાં દલિત યુવાન સાથે થયેલી મારામારી બાદ હવે દલિત યુવાનના મોતના સમાચાર સામે આવ્યા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ખાતે દાલબાટી લેવા બાબતે દલિત યુવાન સાથે હૉટલ માલિકનો ઝઘડો થયો હતો, બાદમાં મારામારી થઇ હતી, આ ઝઘડામાં દલિત યુવાનને માર મારવા બાબતે હૉટલ માલિક તેમજ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, હવે સમાચાર છે કે, સારવાર દરમિયાન આ દલિત યુવાનનું મોત થયુ છે, મોત બાદ દલિત સમાજમાં રોષ વ્યાપી ગયો છે.
ગઇ 7મીએ મહીસાગર જિલ્લાના લીંબડીયા ગામમાં આવેલા જય દ્વારકાધીશ ચા-નાસ્તા હાઉસ અને દાલબાટી હૉટલમાં મારામારી થઇ હતી, આ મારામારી હૉટલ માલિક અને એક દલિત યુવાન વચ્ચે થઇ હતી. દલિત યુવાન દાલબાટી લેવા માટે હૉટલ પહોંચ્યો હતો, આ દરમિયાન એક બાટી ઓછી આપતા ઝઘડો થયો, અને હૉટલ માલિક તેમજ અન્ય એક ઇસમ દ્વારા તેને માર મારવામા આવ્યો હતો, આ ઘટના બાદ બાકોર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. હવે દલિત યુવાનનુ મોત થયુ છે. દલિતના મોત બાદ લોકોમાં રોષ ફૂટી નીકળ્યો છે.
ઘટના એવી છે કે, ગઇ 7મીએ રાત્રિના સમયે રાજુભાઈ ચૌહાણ દાલબાટીની હૉટલ ઉપર દાલબાટી લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં હૉટલ પરના કર્મચારીએ એક બાટી ઓછી આપી હોવાના કારણે તેમણે ત્યાં રજૂઆત કરી હતી ત્યારે હૉટલ માલીક અમિત પટેલ તેમજ અન્ય એક હૉટલના કર્મચારી દ્વારા રાજુભાઈ ચૌહાણ ને ગાળો બોલી જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરીને અને માર મારવામાં આવ્યો હતો, આમાં રાજુભાઈને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તમને સારવાર માટે લુણાવાડા ત્યારબાદ ગોધરા અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા પરંતુ વડોદરા સારવાર દરમિયાન આ દલિત યુવાનનું મોત થયુ હતુ, આ પછી મામલો વધુ ગરમાયો હતો, અને બાદમાં બાકોર પોલીસ મથકમાં હૉટલ માલિક અમિત પટેલ તેમજ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે તો મૃતક રાજુભાઈનું પોસ્ટમોર્ટમ વડોદરા ખાતે કરવામાં આવી રહ્યું છે ત્યારે બાકોર પોલીસ તેમજ જિલ્લા DYSP વડોદરા હોસ્પિટલ ખાતે પહોંચી અને આગળથી કાર્યવાહી હાથ ધરી છે. દલિત સમાજના અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પણ આ બાબતે દલિત પરિવારની મુલાકાત વડોદરા ખાતે લઈ અને તેમને સાંત્વના પાઠવી છે અને ઘટનાને લઈ રોષ વ્યક્ત કર્યો છે.
વિરપુર રોડ ઉપર આવેલ આ જય દ્વારકાધીશ દાલબાટી હોટલ ખાતે તપાસ કરતા હોટલ બંધ જોવા મળી હોટલ પર કોઈપણ વ્યક્તિ હાજર નથી અને આસપાસના કોઈપણ વ્યક્તિ પણ આ સંદર્ભે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. હાલ તો બાકોર પોલીસ મથક ખાતે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.