Gujarat Assembly Live: ગુજરાત પરીક્ષા અધિનિયમ વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું
વિધાનસભા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખી વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું છે
LIVE
Background
Gandhinagar: આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા વિધાનસભા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખી વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું છે. પત્રમાં જણાવ્યા મુજબ, જે રાજકીય પક્ષને ચૂંટણી પંચે અખિલ ભારતીય પક્ષ તરીકે કે રાજ્યના પક્ષ તરીકે માન્યતા આપી હોય અને વિધાનસભામાં તે પક્ષના સભ્યોની સંખ્યા વિધાનસભાની કુલ સંખ્યાના 10 ટકા કરતા ઓછી ન હોય તો અધ્યક્ષ તે પક્ષને વિધાનસભા પક્ષ તરીકે માન્યતા આપી શકશે. 15મી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું સંખ્યાબળ ગૃહની કુલ સંખ્યાના 10 ટકા કરતાં ઓછું હોવાથી વિધાનસભા પક્ષ તરીકે આપના પક્ષને માન્યતા મળવાપાત્ર થતી નથી. આ સંજોગોમાં આપને વિરોધપક્ષના નેતા તરીકે માન્યતા આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
વિધાનસભાનું સત્ર વિપક્ષના નેતા વિહોણું હશે. સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. તે ઉપરાંત સરકારે કામકાજ સમિતીની બેઠકમાં પણ કોંગ્રેસના બે સભ્યોની માંગ સામે માત્ર એક જ સભ્યને સ્થાન આપ્યું હતું. તેની સામે આમ આદમી પાર્ટીના એક પણ નેતાને આ સમિતીમાં સ્થાન આપવામાં આવ્યું નહોતુ.
કોંગ્રેસે વિધાનસભાના હોદ્દેદારોની નિમણૂક કરી
કોંગ્રેસને ગુજરાત વિધાનસભામાં હજી વિપક્ષના નેતાનું પદ મળ્યું નથી. પરંતુ કોંગ્રેસે અગાઉ અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા તરીકે જાહેર કર્યા હતાં.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળી હતી ?
ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 156 સીટ મળી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આટલી સીટો મળી નથી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટ જ મળી હતી. રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી.
ગઇકાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં 3 અપક્ષ ધારાસભ્ય પણ હાજર રહ્યા. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેને લઈ તેઓ ભાજપને સમર્થન આપશે તે નક્કી થઈ ગયું છે.
અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો
ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયકની ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે. મોઢવાડિયાએ સરકારે અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. વિધેયક ડ્રાફ્ટ કરવામાં સરકારની ક્ષતિ રહી ગઈ છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે આવો કાયદો બનાવ્યો છે. હરિયાણા અને રાજસ્થાનના વિધેયકની કોપી કરી છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે ભરતી પરીક્ષા શબ્દ વાપર્યો છે જ્યારે ગુજરાત સરકારે જાહેર પરીક્ષા શબ્દ વાપર્યો છે. જાહેર પરીક્ષામાં ગેરરીતિ કરવાનો અધિકાર શિક્ષકોનો છે. 10, 12, કોલેજમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરે તેને શું પોલીસને હવાલે કરશો? પોલીસની ટીકા નથી કરતો પણ તેમને ગુનેગાર સાથે ડીલ કરવાની તાલીમ અપાય છે તેવી ટિપ્પણી મોઢવાડિયાએ કરી હતી.
ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન
ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે પેપર ફૂટ્યા બાદ ઉમેદવાર અને તેના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ છે. માત્ર પેપર નથી ફૂટતા લોકોના સપના, આશા , અપેક્ષા અને માણસો ફૂટે છે. આ વિધેયક માત્ર કાયદો બનીને ન રહી જાય પરંતુ તેની અમલવારી કડક થાય. 2014થી ચાલતી ડબલ એન્જિન સરકારમાં 12 કરતા વધુ પેપર ફૂટ્યા છે. વિધેયક પાસ થઈ કાયદો બને તેની અમલવારી 2014થી કરવાનું મારું સૂચન છે.
વિધાનસભા ગૃહમાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જોવા મળી
વિધાનસભા ગૃહમાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જોવા મળી હતી. ઘણા લાંબા સમય બાદ વિપક્ષે રાજ્યપાલના સંબોધનમાં વિરોધ કર્યો ન હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બાબતની નોંધ લેતા વિપક્ષનો આભાર માન્યો હતો. વિપક્ષે ગૃહની ગરિમા જાળવી હોવાનું કહી રાજ્યપાલે વિપક્ષનો આભાર માન્યો હતો.
ગુજરાત વિધાનસભા પરિસર બહાર કોગ્રેસનો વિરોધ
ગુજરાત વિધાનસભા પરિસર બહાર કોગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોગ્રેસે પેપરકાંડ મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું હતું કે કાયદા બનાવવાથી પરિણામ નથી આવતું. સાચા અર્થમાં પેપરકાંડ મુદ્દે સરકાર કામગીરી કરે.
સરકારે ભલે વિપક્ષના નેતાનું પદ નથી આપ્યું અમે અમારી ભૂમિકા નિભાવીશું
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ ના મળવા અંગે સી જે ચાવડાએ કહ્યું હતું કે સરકારે ભલે વિપક્ષના નેતાનું પદ નથી આપ્યું અમે અમારી ભૂમિકા નિભાવીશું. 156 બેઠક જીતીને સરકાર અભિમાનમાં આવી ગઈ છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પાછળ રહી ગયું છે. વિધાનસભાના નિયમો કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ જ હતા. સરકારે વિધાનસભાના નિયમો સ્વીકારી પદ આપવું જોઈએ. અમે સકારાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવશું