શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપે સત્તાવાર રીતે નામ જાહેર કર્યા પહેલા કયા 3 નેતાઓએ ટિકિટ મળી ગઈ હોવાનો કર્યો દાવો?
ધારી બેઠક પર જે.વી કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા અને કપરાડા બેઠક પર જીતુ ચૌધરીએ નામ નક્કી થઈ ગયું હોવાનો દાવો કર્યો છે.
ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતની આઠ વિધાનસભાની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસમાંથી સંભવિત ઉમેદવારોની પેનલ પણ તૈયાર થઈ ગઈ છે. જોકે, હજુ સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ ભાજપમાંથી ટિકીટ પાક્કી હોવાનો અને ઉમેદવારી નોંધાવવાનો દાવો ત્રણ નેતાઓએ કરી દીધો છે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા આ ત્રણેય નેતાઓએ ટિકિટ મળી ગઈ હોવાનો દાવો કર્યો છે.
આ ત્રણ નેતાઓની વાત કરીએ તો ધારી બેઠક પર જે.વી કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા અને કપરાડા બેઠક પર જીતુ ચૌધરીએ નામ નક્કી થઈ ગયું હોવાનો દાવો કર્યો છે. જે.વી. કાકડિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારી બેઠક પર ભાજપમાંથી તેમનું નામ ડિક્લેર થયું છે, ત્યારે પ્રચાર કરવા માટે નીકળ્યો છું. એબીપી અસ્મિતાએ ફરીથી ઉમેદવારી અંગે પૂછતાં તેમણે નામ ફાઇનલ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. લોકોને ખૂબ ઉત્સાહ છે. મને જીતાડવા માટે લોકો સતત મહેનત કરે છે. જે.વી. કાકડિયાએ આગામી 15મી ઓક્ટોબરે સવારે 11 વાગ્યે ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરવાનો દાવો પણ કર્યો હતો.
અબડાસા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાનારા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ ટિકિટ પાક્કી હોવાનો અને મંગળવારે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર વાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, તેમણે વધુ લીડથી જીતવાનો પણ દાવો કર્યો છે. તેમણે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, મંગળવારે ફોર્મ ભરવાનું છે. એટલે અમારી ફૂલ તૈયારી છે. જીતની પૂરેપૂરી આશા છે. એનું કારણ છે, હું કોંગ્રેસમાં હતો તો પણ મારા વિસ્તારના લોકોના કામો થયા છે. તેમજ લોકોના વધુમાં વધુ કામ થાય તે માટે હું ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસના મતદારો પણ મને વોટ આપશે તેવા પણ દાવો કર્યો છે.
આ ઉપરાંત કપરાડા બેઠક ઉપરથી જીતુ ચૌધરીએ આગામી સોમવાર અને 12મી ઓક્ટોબરે ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરવાનો દાવો કર્યો છે. ભાજપ તરફથી સત્તાવાર જાહેરાત થાય એ પહેલા જ ત્રણ સંભવિત ઉમેદવારોએ પોતે જ ઉમેદવાર હોવાના દાવા કરી દીધા છે. બીજી તરફ આગામી 24થી 48 કલાકમાં ભાજપના તમામ ઉમેદવારોના નામ નક્કી થઈ જશે, તેવી માહિલી મળી રહી છે. પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે તૈયાર કરેલી યાદીને લઈ સી.આર. પાટીલ દિલ્લી પહોંચ્યા છે. હવે આજે અથવા આવતી કાલે ભાજપના તમામ આઠ બેઠકોના ઉમેદાવારોના નામ પર કેન્દ્રીય નેતૃત્વ મહોર લગાવશે. આ પછી ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
નોંધનીય છે કે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ફરીથી ટિકિટ આપવાની મહોર લગાવી દીધી છે. જેથી પાંચ બેઠકો પર ઉમેદવારો રિપીટ કરવામાં આવશે. જોકે, ભાજપ કઈ બેઠક પર કોને ટિકિટ આપશે, તે તો સત્તાવાર રીતે ઉમેદવારોનું નામ જાહેર થયા પછી જ ખબર પડશે. આગામી ત્રણ નવેમ્બરે સુરેન્દ્રનગરની લીંબડી, બોટાદની ગઢડા, અમરેલીની ધારી, મોરબી, ભરુચની કરજણ, વલસાડની કપરાડા, કચ્છની અબડાસા અને ડાંગ બેઠક પર ચૂંટણી યોજાવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement