GANDHINAGAR : વિવિધ આંદોલનોના હલ માટે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી, જાણો કમિટીમાં કોનો કોનો સમાવેશ કરાયો
Gandhinagar News : આ કમિટી આંદોલન કરી રહેલા કર્મચારીઓને સાંભળશે.
Gandhinagar : રાજ્યમાં વિવિધ વર્ગ, સમુદાય, સરકારી કર્મચારી યુનિયનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યાં છે. આ નાગે હવે સરકાર સતર્ક થઇ છે. ગુજરાત સરકારે વિવિધ આંદોલનોના હલ માટે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. આ કમિટી આંદોલન કરી રહેલા કર્મચારીઓને સાંભળશે.
કમિટીમાં આ 5 મંત્રીઓનો સામેવશ
રાજ્યના કર્મચારીઓની પડતર માગોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. કમિટીમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મેરજાને આ કમિટીમાં સમાવાયા છે. આ સભ્યો રાજ્ય સરકારનાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે.
રાજ્યના ઘણા સંગઠનો આંદોલનરૂપે પોતાની માગણીઓ રજૂ કરી રહ્યાં છે. આ ઉપરાંત અનેક કર્મચારી સંગઠનોએ વિધાનસભામાં ભાજપ વિરોધી મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે કર્મચારીઓમાં ફેલાયેલી એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરવામાં આવી છે.
ગત સપ્તાહે કમિટીની પ્રથમ બેઠક મળી
સરકાર દ્વારા નિયુક્ત કમિટીની ગત સપ્તાહે એક બેઠક મળી ચૂકી છે તેમજ કર્મચારીઓના લગતા-વળગતા તમામ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી છે. વહેલીમાં વહેલી તકે કર્મચારીઓના પ્રશ્નનો નિકાલ આવે એ રીતનું આયોજન પણ કમિટી દ્વારા કરવામાં આવશે એ હેતુસર આ કમિટી નક્કી કરાઈ છે. ન માત્ર સરકારી કર્મચારીઓ, પરંતુ અનેક એવાં સામાજિક સંગઠનો પણ છે, જે પણ સરકારની સામે પડ્યાં છે તેમજ વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષને નુક્સાન પહોંચાડી શકે એવી સંભાવના છે. ત્યારે ચૂંટણી અગાઉ સરકારે આગમચેતીના ભાગ રૂપ પ્રયાસ કર્યો છે.
રાજ્યમાં હાલ આ આંદોલનો ચાલી રહ્યાં છે
1) છેલ્લા ઘણા સમયથી રાજ્યના માજી સૈનિકો પોતાની 14 માગ સ્વીકારવા માટે આંદોલન કરી રહ્યા છે
2) કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ.2,800 કરવાની માગણી છે.
3) તલાટી-કમ-મંત્રીઓ પણ ગ્રેડ પેની માગ કરી રહ્યા છે. તેમની માગ છે કે સરકારે વર્ષ 2004-2005માં જે ભરતી કરી હતી એને સળંગ નોકરી તરીકે એટલા માટે કરવામાં આવે, કેમ કે જે-તે સમયે ફિક્સ પગારની નોકરી કરવામાં આવી હતી
4) કૃષિ વીજ જોડાણમાં મીટર પ્રથા બંધ કરવાની ખેડૂતો માગ કરી રહ્યા છે. મીટર પ્રથા મરજિયાત બનાવવામાં આવે એવી કિસાન સંઘ દ્વારા માગ કરવામાં આવી રહી છે
5) આરોગ્ય અને પરિવાર કલ્યાણ હસ્તક ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા પૂરી પાડતા પાયાના કર્મચારીઓ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થવર્કર તથા ફીમેલ હેલ્થ સુપરવાઈઝર સહિતના આરોગ્યકર્મીઓ વિવિધ માગો કરી રહ્યા છે.
6) વીસીઆઈના લોકો કમિશનના બદલે પગારધોરણ માટેની લડત ચલાવી રહ્યા છે.