ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2018ની તલાટી સહિત કઈ ભરતીની પરીક્ષા કરી રદ ? ઉમેદવારોને ફી પાછી અપાશે.....
રાજ્યના પંચાયત મંત્રીએ જાહેરાત કરી છે કે, ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી કરવામાં આવશે. આવતા 6 મહિનામાં આ ભરતી પૂરી કરવાનો ટાર્ગેટ છે.
ગાંધીનગર: ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્ય સરકારના પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના પંચાયત મંત્રીએ જાહેરાત કરી છે કે, ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી કરવામાં આવશે. આવતા 6 મહિનામાં આ ભરતી પૂરી કરવાનો ટાર્ગેટ છે.
આ સાથે રાજ્ય સરકારે 2018ની પંચાયત વિભાગની તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની જગાઓ માટે શરૂ કરેલી ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની ભરતીની પ્રક્રિયાને નવી ભરતી સાથે સંકલિત કરી લેવામાં આવશે.
તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની 2018ની પરીક્ષા માટે જેમણે ફોર્મ ભર્યાં છે તેમની ફોર્મ ફી પરત કરવામાં આવશે. બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી હતી કે, પંચાયત વિભાગની જગાઓ માટે અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. નવી ભરતીમાં 2018 માં તલાટી અને સીનીયર- જુનિયર કલાર્કની ભરતીની પ્રક્રિયાના ફોર્મ ભરાયાં હતાં તેને પણ આવરી લેવાશે. જૂનાં ફોર્મ ભરનારને શું રાહત આપવી એ સહિતના નિયમો હવે પછી જાહેર કરાશે.
પંચાયત રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાની અધ્યક્ષતામાં આજે જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની બેઠક બોલાવી છે તેમાં મેરજાએ આ જાહેરાત કરી હતી. ગાંધીનગર સ્વર્ણિમ 2 ખાતે રાજ્યના DDO હાજર રહેશે. જિલ્લાના વિકાસ કામો અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ સંદર્ભે આ કોન્ફરન્સમાં ચર્ચા થશે.
બ્રિજેશ મેરજાએ કહ્યું કે, ગામનું કામ ગામમાં થાય તે રીતે સંચાલન થવું જોઈએ. સરપંચોને કરોડોની ગ્રાન્ટ ગ્રામીણ વિકાસ માટે આપવામાં આવે છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં 100 રસીકરણ થાય તે દિક્ષામાં કામ કરવા કહેવાયું છે.
બ્રીજેશ મેરજાએ કહ્યું કે, પંચાયત વિભાગની ખાલી 15000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પંચાયતના ચૂંટાયેલા પધાધિકારીઓ નું માન સન્માન જળવાય તે માટે ddo ને મેં તાકીદ કરી છે. પદાધિકારીઓને વિશ્વાસમાં લઈને અધિકારીઓ કામગિરી કરે તો વધુ સારી રીતે કામગીરી થઈ શકશે. જન પ્રતિનિધિનું માન સન્માન ન જળવાય તે તૃટી ચલાવી નહિ લેવામાં આવે.