(Source: ECI/ABP News/ABP Majha)
L&T MoU: ગુજરાતને મળશે વધુ એક મોટી ભેટઃ વડોદરા પાસે સ્થપાશે IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક
વિશ્વવિખ્યાત ઉદ્યોગ જૂથ લાર્સન એન્ડ ટુબ્રો લિમીટેડ દ્વારા વડોદરા નજીક IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે MoU કરવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ વિશ્વવિખ્યાત ઉદ્યોગ જૂથ લાર્સન એન્ડ ટુબ્રો લિમીટેડ દ્વારા વડોદરા નજીક IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે MoU કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ MoU રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને L&Tએ કર્યા હતા. ગુજરાતમાં IT અને ITeS પોલિસી અંતર્ગત વિવિધ આઇ.ટી કંપનીઓ, ઉદ્યોગોની વ્યૂહાત્મક ભાગીદારી સાથે રાજ્યની IT ઇકો સિસ્ટમને વધુ વિકસાવવામાં આ MoU એક સિમાચિન્હ બની રહેશે તેવી પ્રવક્તા મંત્રી વાઘણીએ આશા વ્યક્ત કરી હતી.
L&T આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં આ આઇ.ટી. પાર્કમાં ૭ હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરશે...એટલું જ નહિ, વડોદરામાં સ્થપાનારા આ ટેક્નોલોજી પાર્કમાં એક જ વર્ષમાં બે હજાર ઇજનેરો અને અન્ય જગ્યાઓ માટે રોજગાર અવસર મળતા થશે. આગામી પાંચ વર્ષમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળી કુલ ૧૦ હજાર જેટલી સૂચિત રોજગારી પૂરી પાડવાનું L&T નું આયોજન છે.