ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલવા મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડે શું લીધો મોટો નિર્ણય ? રાહુલ ગાંધીએ કોની સાથે કરી વાત ?
રાહુલ ગાંધીએ વિડીયો કોંફરન્સ માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સમીક્ષા કરીને હાલની નેતાગીરીને જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા આદેશ આપ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણમાં કોંગ્રેસની કારમી હારના પગલે રાજીનામાં આપી દીધાં હતાં. તેના પગલે ગુજરાતમાં કોંગ્રેસ નેતાગીરીમાં મોટા ફેરફાર થશે એવી વાતો વહેતી થઈ હતી પણ હવે આ શક્યતા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય એવું લાગે છે.
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરતાં હાલ પૂરતી નેતાગીરી બદલવાની શકયતા નહિવત છે. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વર્તમાન નેતાગીરીના નેતૃત્વમાં જ લડશે એ સ્પષ્ટ થઈ જતાં આગામી ચારેક મહિના સુધી નેતાગીરી નહીં બદલાય એવો સ્પષ્ટ સંકેત મળ્યો છે.
રાહુલ ગાંધીએ અમિત ચાવડા, પરેશ ધનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ સાથે વાતચીત કરી હોવાના અહેવાલ છે. રાહુલ ગાંધીએ વિડીયો કોંફરન્સ માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સમીક્ષા કરીને હાલની નેતાગીરીને જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા આદેશ આપ્યો છે. તેના કારણે હાલ પૂરતી નેતાગીરી બદલવાની શકયતા નહિવત છે એ સ્પષ્ટ છે.