Gandhinagar: પ્રથમ વખત ગુજરાતમાં યોજાશે RE-INVEST સમિટ, પીએમ મોદી કરશે ઉદ્ધાટન
Gandhinagar: ઇવેન્ટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે: 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ સ્પીકર્સ ભાગ લેશે.
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ આ સમિટ ગુજરાતમાં પ્રથમ વખત યોજાવા જઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે.જેમાં ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ આ પ્રસંગે હાજરી આપશે.
આ સમિટમાં 40થી વધુ સત્રો યોજાશે
નોંધનિય છે તકે, આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે, જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે. આ ઉપરાંત, આ કાર્યક્રમ ભારત અને વિશ્વભરની અગ્રણી નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓને એકસાથે લાવશે.
અહીં 2070 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું ભારતનું લક્ષ્ય અને નવીનીકરણ ઊર્જામાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવશે. બાયોએનર્જી, બેટરી એનર્જી સ્ટોરેજ અને હાઈડ્રોપાવર પર પણ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નવીનીકરણ ઊર્જા, ઇનોવેટિવ ફાઇનાન્સિંગ, ગ્રીન હાઇડ્રોજન, ભવિષ્યના ઊર્જા વિકલ્પો, ક્ષમતા નિર્માણ અને ઉત્પાદકો, ડેવલપર્સ, રોકાણકારો અને ઇનોવેટર્સના પ્રદર્શન પર કોન્ફરન્સ યોજાશે.
ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે આયોજન
તમને જણાવી દઈએ કે, આ સમિટનું પ્રથમ વખત આયોજન ફેબ્રુઆરી 2015માં નવી દિલ્હી ખાતે થયું હતુ. જ્યારે બીજી સમિટ ઓક્ટોબર 2018માં દિલ્હી NCRમાં અને ત્રીજી નવેમ્બર 2020માં કોવિડ-19ને કારણે વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી. આ વર્ષે પ્રથમ વખત RE-INVEST સમિટ દિલ્હીની બહાર ગુજરાતમાં યોજવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ઊર્જા પહેલો અને નવીનતામાં અગ્રેસર રાજ્ય તરીકે જાણીતું છે.
આ પણ વાંચો...