Ganganagar: ગુજરાત સરકારની ભલામણ બાદ એશિયાઈ સિંહોના રક્ષણને લઈ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
ગાંધીનગર: નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ ૧૭ નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાતના ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ‘ગીર રક્ષિત વિસ્તાર’માં વસવાટ કરતા જોવા મળે છે . એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ ૨.૭૮ કિ.મી. અને વધુમાં વધુ ૯.૫૦ કિ.મી. રાખવામાં આવ્યું છે.
નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ ૧૭ નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-૫૯ ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-૭૨ ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-૬૫ ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-૧૯૬ ગામોના ૨૪,૬૮૦.૩૨ હેક્ટર વન વિસ્તાર તથા ૧,૫૯,૭૮૫.૮૮ હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.
આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી ૧૦ કિલોમીટરની ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.
ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-૧,૪૬૮.૧૬ ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને નામદાર સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન-નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો થતો હોય છે, જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે ૧૦ કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે. જેથી અત્યાર સુધી આ વિસ્તારને ફરતે ૧૦ કિ.મી. સુધી ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત સાદર કરવામાં આવેલ હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા ૧૦ વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારીત વિગતો, સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરીડોર તથા રીવર કોરીડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો...