ગુજરાતના તમામ વાહનધારકો મોટા સમાચાર, જાણો કાલથી આવી રહી છે શું નવી નીતિ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સ્ક્રેપ પોલિસીના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે.
ગાંધીનગરઃ ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં આવતી કાલે 13મી ઓગસ્ટે જાહેરાત થશે. કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના સવા કરોડથી વધુ જૂનાં વાહનોને ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે યોજના જાહેર કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સ્ક્રેપ પોલિસીના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને તેના પર બનેલી હોટલની પણ મુલાકાત લઈ શકે છે. સાયન્સ સીટીની પણ મુલાકાત લઈ શકે છે.
કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ જે વાહનોને ભંગારમાં લઈ જવાશે એ વાહનોની આવરદા 15 વર્ષ કે વધારે હોય એ ધારાધોરણ રખાયું છે. આ સંજોગોમાં જેમનાં વાહન 15 વર્ષ જૂનાં હોય તેમણે પોતાનાં વાહનોને ભંગારમાં જવા દેવાની તૈયારી રાખવી પડશે. રૂપાણી સરકાર સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં સ્કેપ વ્હીકલ યાર્ડ બનાવશે અને આ સ્ક્રેપ યાર્ડમાં વાહનોનો નિકાલ કરાશે.
કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી. જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકારોને કહેવામાં આવતાં સ્ક્રેપ પોલિસી બનાવાઈ છે. ગત બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ પોલિસીની જાહેરાત કરીને કહેવાયું હતું કે. 15 વર્ષ જૂનાં વાહનોને ભંગારવાડે લઈ જઈને સ્ક્રેપ કરવાં પડશે. આ પોલિસી રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ એમ ત્રણ 'R' પર આધારિત છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ નીતિના આધારે ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ પોલિસીમાં ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવાને લઈને ભાર મૂકવામાં આવ્યો છે.
ભારતમાં હાલમાં જૂનાં વાહનોના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્નશીલ છે. દેશમાં 15 વર્ષ જૂનાં વાહનોના સ્ક્રેપ માટે નવી પોલિસી જાહેરાત કરાતાં રોજગારીની પણ નવી તકો ઉભી થશે એવો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે.