ગાંધીનગરમાં ઈમરજન્સી જેવો માહોલ! ટાઈફોઈડના 104 કેસથી હડકંપ, અમિત શાહે દિલ્હીથી માંગ્યો રિપોર્ટ
Typhoid outbreak gandhinagar: ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળા (Waterborne Disease) એ માથું ઊંચકતા જ રાજ્ય સરકાર સતર્ક બની છે.

Typhoid outbreak gandhinagar: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણી (Contaminated Water) ના કારણે આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં અચાનક ટાઈફોઈડના કેસોમાં ઉછાળો આવતા તંત્ર દોડતું થયું છે. અત્યાર સુધીમાં 104 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા છે, જેમાં બાળકોની સંખ્યા ચિંતાજનક છે. સ્થિતિની ગંભીરતા જોઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીની તાત્કાલિક મુલાકાત અને એક્શન પ્લાન
ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળા (Waterborne Disease) એ માથું ઊંચકતા જ રાજ્ય સરકાર સતર્ક બની છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અસરથી ગાંધીનગર કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર અને આરોગ્ય અધિકારીઓ સાથે હાઈ લેવલ મીટિંગ યોજી હતી. આ બેઠકમાં રોગચાળાને ડામવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. બેઠક બાદ તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર માટે સ્પેશિયલ 22 તબીબોની ટીમ (Team of 22 Doctors) તૈનાત કરવામાં આવી છે અને દર્દીઓના સગા માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વિકાસની પોલ ખુલી: ગટરનું પાણી પીવાના પાણીમાં ભળ્યું
એક તરફ ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે થયેલા મૃત્યુના સમાચારો છે, તો બીજી તરફ સ્માર્ટ સિટી ગણાતા ગાંધીનગરમાં પણ ડ્રેનેજ લાઈન (Drainage Line) અને પીવાના પાણીની લાઈનો મિક્સ થઈ જતા આ હોનારત સર્જાઈ છે. કરોડોના ખર્ચે નખાયેલી નવી લાઈનોમાં ગટરનું પાણી ભળતા સેક્ટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં ટાઈફોઈડનો વિસ્ફોટ થયો છે. ચોખ્ખા પાણીની જગ્યાએ પ્રદૂષિત પાણી મળતા લોકો બીમારીના ખપ્પરમાં હોમાયા છે, જે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
બાળકો સૌથી વધુ પ્રભાવિત: 100 થી વધુ હોસ્પિટલમાં
આરોગ્ય વિભાગના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા મુજબ, 1 થી 16 વર્ષ (1 to 16 Years) વયજૂથના બાળકો આ રોગચાળાનો સૌથી વધુ ભોગ બન્યા છે. હાલમાં F2 અને E2 વોર્ડમાં કુલ 104 જેટલા બાળકો સારવાર હેઠળ છે. છેલ્લા માત્ર 3 દિવસમાં જ પોઝિટિવ કેસોના દરમાં 50 ટકા (50 Percent) નો જંગી વધારો નોંધાયો છે. સ્થિતિને પહોંચી વળવા માટે સિવિલમાં તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. હાલ 42 દર્દીઓ સિવિલમાં અને બાકીના નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લઈ રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહનું સીધું મોનિટરિંગ
ગાંધીનગર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે દિલ્હીથી સીધી ગાંધીનગર કલેક્ટર સાથે વાતચીત કરીને આરોગ્ય સુવિધાઓ (Health Facilities) અને લેવાયેલા પગલાં અંગે માહિતી મેળવી હતી. તંત્ર દ્વારા હાલમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ અને આશા બહેનો સહિત 80 થી વધુ સ્ટાફની 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમોએ અત્યાર સુધીમાં 10,000 મકાનો અને 38,000 લોકોનો સર્વે કર્યો છે.





















