Gujarat Budget: મહિલા આત્મનિર્ભરતાને વેગ આપશે 'સખી સાહસ' યોજના, મહિલાઓને શું શું મદદ મળશે ?
Gujarat Budget 2025: યોજના અંતર્ગત હવે મહિલાઓને સાધન સહાય, લૉન ગેરંટી તથા તાલીમ આપવા ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે

Gujarat Budget 2025: આધુનિક ગુજરાતમાં સરકારે નારીને વધુ સશક્ત બનાવવા માટે પર જોર આપી રહી છે. આજે રજૂ થયેલા બજેટ 2025-26 માં મહિલાઓને આત્મનિર્ભર થવા માટે સહાયની જાહેરાત કરી છે, આ માટે ખાસ યોજનાનું અમલીકરણ કરવા 'સખી સાહસ' યોજનાની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુ દેસાઇએ 100 કરોડની જોગવાઇ કરી છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર આજનું બજેટ તૈયાર કરાયું છે. નાણામંત્રી કનુ દેસાઇએ 3લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે.
મહિલાઓ માટે 'સખી સાહસ' યોજના, ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી
મહિલાઓની આત્મનિર્ભરતા માટે મંત્રીએ નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત હવે મહિલાઓને સાધન સહાય, લૉન ગેરંટી તથા તાલીમ આપવા ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. એટલે કે રાજ્યની મહિલાઓને આમાં અનેક રીતે મદદ મળી રહેશે. બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વૂમન હૉસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.
નારી શક્તિ માટે અન્ય યોજનાઓ પણ અમલમાં...
આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. સરકારે ગત વર્ષે જાહેર કરેલ નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થિનીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત ૬૮ હજાર વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી રહેલ છે. મહિલાઓને પગભર કરવા માટે 'નમો ડ્રોન દીદી યોજના'ને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વ-રોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે.
વિધવા અને નિરાધાર બહેનો માટે મદદ -
“જનતા જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ૪ કરોડ ૪૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ ₹૫૦ હજારથી ₹૨ લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹૨ લાખથી ₹૪ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી છે. ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારીશક્તિના ઉત્કર્ષ સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
