મુન્દ્રા પોર્ટ પરથી 17 કરોડની વિદેશી સિગારેટ જપ્ત, ત્રણની ધરપકડ
DRIએ 1 એપ્રિલે એક કન્ટેનર જપ્ત કર્યું હતું. જેમાં 84 લાખની વિદેશી સિગારેટની દાણચોરી કરવામાં આવી હતી.
Kutch : ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ -DRI એ ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી રૂ.17 કરોડની વિદેશી સિગારેટ જપ્ત કરી છે. આ સાથે એક શિપિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે DRIએ 1 એપ્રિલે એક કન્ટેનર જપ્ત કર્યું હતું. જેમાં 84 લાખની વિદેશી સિગારેટની દાણચોરી કરવામાં આવી હતી. 168 મિલિયનનું આ કન્સાઇનમેન્ટ UAEથી લાવવામાં આવ્યું હતું. જે કન્ટેનરમાં તેઓને રાખવામાં આવ્યા હતા તેમાં હોટેલ સપ્લાયનું સ્ટીકર હતું.
અત્યાર સુધીની તપાસના આધારે DRIએ આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. એક વ્યક્તિ ગાંધીધામની એક શિપિંગ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હતો, બીજો દુબઈ સ્થિત કંપનીનો ભાગીદાર અને ત્રીજો બેંગ્લોરનો સહયોગી હતો.
WHOના રિપોર્ટ પર મનસુખ માંડવિયાનું મોટું નિવેદન
કોરોનાથી થતા મૃત્યુને લઈને WHOના રિપોર્ટ પર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ત્રણ દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિર દરમિયાન કહ્યું કે અમે એક ઠરાવ પસાર કર્યો છે કે અમે કોવિડ મૃત્યુ અંગે WHOના અનુમાન પર વિશ્વાસ કરતા નથી. 1969 થી અમે કાયદેસર રીતે જન્મ અને મૃત્યુની નોંધણી કરી રહ્યા છીએ. દેશમાં આજે 99.99 ટકા મૃત્યુ નોંધાયા છે.
કેવડિયા ખાતે આયોજિત સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર-CCHFWની 14મી કોન્ફરન્સમાં ભાગ લેનારા વિવિધ રાજ્યોના આરોગ્ય પ્રધાનોએ ભારતમાં કોવિડ-સંબંધિત 47 લાખ મૃત્યુના અંદાજ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ટીકા કરી છે અને કહ્યું છે કે તે પાયાવિહોણું છે. તેનો ઈરાદો દેશની છબી ખરાબ કરવાનો છે. તેમણે કહ્યું કે ભારતમાં મૃત્યુ નોંધવા માટે એક મજબૂત, કાર્યક્ષમ અને વ્યાપક મિકેનિઝમ છે અને કોવિડના કારણે થયેલા મૃત્યુને તમામ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને પારદર્શિતા સાથે વ્યવસ્થિત રીતે નોંધવામાં આવ્યા છે.