Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 મતદાન મથકોનું સંચાલન કરશે દિવ્યાંગ કર્મચારીઓ
Gujarat Assembly Elections 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર છે.
Gujarat Assembly Elections 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર છે. એટલું જ નહીં, બંને તબક્કાના કુલ 51,839 મતદાન મથક પૈકી 1,833 પોલીંગ સ્ટેશનો વિશેષરૂપે તૈયાર કરાયા છે. રાજ્યભરમાં મહિલા કર્મચારીઓ સંચાલિત 1,256 સખી મતદાન મથકો હશે, દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો હશે, યુવા કર્મચારીઓ દ્વારા 33 પોલીંગ સ્ટેશનોનું સંચાલન થશે. આ ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને રાજ્યના 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવાશે, તેમજ 182 મૉડેલ પોલીંગ સ્ટેશન ઊભા કરીને નવતર પહેલ કરવામાં આવી છે.
દિવ્યાંગો સંચાલિત પોલીંગ સ્ટેશન
Inclusive Elections ના મુદ્દાને ધ્યાને રાખી સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તકો મળે તે હેતુથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન રાજ્યના કુલ-182 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે. જેમાં રાજ્યના પ્રત્યેક મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ મતદાન મથક બનાવવામાં આવશે. આ મતદાન મથકોમાં પોલીંગ સ્ટાફ જેમ કે પ્રિસાઈડીંગ ઑફિસર તથા પોલીંગ ઓફિસર તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે.
મૉડેલ પોલીંગ સ્ટેશનઃ
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળે. મતદારોને સરળ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને ‘આદર્શ મતદાન મથક’ તરીકે સુશોભિત કરાશે. રાજ્યમાં પોલિંગ સ્ટાફ અને મતદાન એજન્ટોને બેસવા માટે યોગ્ય ફર્નિચરની સુવિધા યુક્ત 182 આદર્શ મતદાન મથકની પસંદગી કરવામાં આવશે. મતદાન મથકોએ શેડ સાથેના વેઈટીંગ રૂમ, બેસવા માટે ખુરશીઓ, મતદાન મથક પર પહોંચવા અવરોધ રહિત માર્ગ, સાઈન બોર્ડ, પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની સુવિધા, રેમ્પ, વ્હીલચેર તથા પુરૂષ, સ્ત્રીઓ, વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈન જેવી વ્યવસ્થાઓ ઉભી કરાશે.
યુવા મતદારો સંચાલિત મતદાન મથક :
ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે નવતર પહેલ કરી છે. જેના ભાગરૂપે યુવા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે હેતુથી દરેક જિલ્લામાં એક યુવા સંચાલિત મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથકોમાં તમામ કર્મચારી-અધિકારી યુવા હશે. રાજ્યના તમામ જિલ્લા દીઠ એક મતદાન મથક યુવાઓ દ્વારા સંચાલિત મતદાન મથક હશે.
કચ્છ જિલ્લામાં ભુજ, બનાસકાંઠામાં પાલનપુર, પાટણમાં પાટણ, મહેસાણામાં ખેરાલુ, સાબરકાંઠામાં હિંમતનગર, ગાંધીનગરમાં ગાંધીનગર, અમદાવાદમાં ઘાટલોડિયા, સુરેન્દ્રનગરમાં વઢવાણ, રાજકોટમાં રાજકોટ શહેર, જામનગરમાં જામનગર ઉત્તર, પોરબંદરમાં પોરબંદર, જૂનાગઢમાં જુનાગઢ, અમરેલીમાં અમરેલી, ભાવનગરમાં ભાવનગર પશ્ચિમ, આણંદમાં આણંદ, ખેડામાં મહેમદાબાદ, પંચમહાલમાં કાલોલ, દાહોદમાં દેવગઢ બારીયા, વડોદરામાં સયાજીગંજ, નર્મદામાં ડેડીયાપાડા, ભરૂચમાં ઝઘડિયા, સુરતમાં મજુરા, ડાંગમાં ડાંગ, નવસારીમાં જલાલપુર, વલસાડમાં કપરાડા, તાપીમાં નિઝર, અરવલ્લીમાં બાયડ, મોરબીમાં વાંકાનેર, દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા, ગીર સોમનાથમાં સોમનાથ, બોટાદમાં ગઢડા, મહીસાગરમાં લુણાવાડા અને છોટાઉદેપુરમાં છોટાઉદેપુર ખાતે યુવા મતદાન મથકોની રચના કરવામાં આવી છે.
સખી મતદાન મથક :
ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા અને જેન્ડર ઈક્વાલિટી માટેની આયોગની પ્રતિબદ્ધતાને જાળવી રાખવા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન વિધાનસભા મતવિસ્તાર દીઠ મહિલા સંચાલિત 7 મતદાન મથકો - સખી મતદાન મથકની રચના કરવામાં આવી છે. રાજ્યમાં આવા કુલ 1,256 મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઑફિસર, પોલીંગ ઓફિસર જેવા પોલીંગ સ્ટાફ તરીકે મહિલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે.
સૌથી વધુ 148 સખી મતદાન મથકો અમદાવાદ જિલ્લામાં છે. જ્યારે સુરત જિલ્લામાં 112, વડોદરામાં 70, બનાસકાંઠામાં 64, રાજકોટમાં 56, મહેસાણામાં 49, આણંદમાં 49, ખેડા-નડીઆદમાં 42,કચ્છમાં 42, ભાવનગરમાં 42, અમરેલીમાં 35, ગાંધીનગરમાં 35, સૂરેન્દ્રનગરમાં 35, જામનગરમાં 35, પંચમહાલમાં 35, દાહોદમાં 35, ભરૂચમાં 35 અને વલસાડમાં 35 સખી મતદાન મથકો આવેલા છે. આ ઉપરાંત જૂનાગઢમાં 33, સાબરકાંઠામાં 28, ગીર-સોમનાથમાં 28, પાટણમાં 27, નવસારીમાં 26, અરવલ્લીમાં 21, મોરબીમાં 21, મહિસાગરમાં 21, છોટાઉદેપુરમાં 21, પોરબંદરમાં 14, નર્મદામાં 14, તાપીમાં 14, દેવભૂમિદ્વારકામાં 14, બોટાદમાં 14 જ્યારે ડાંગ જિલ્લામાં 07 એમ કુલ 1,256 સખી મતદાન મથકો હશે.