ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું છે. સરહદી જિલ્લા કચ્છમાં પોલીસ એલર્ટ બની છે

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું છે. સરહદી જિલ્લા કચ્છમાં પોલીસ એલર્ટ બની છે અને વાહન ચેકિંગ તથા હોટલોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. આ વચ્ચે ભુજના એક ગેસ્ટહાઉસમાંથી ત્રણ કાશ્મીરી મળી આવતા અટકાયત કરી છે. જનતા ઘર ગેસ્ટ હાઉસમાં SOGની ટીમે તપાસ કરતા એક મહિલા સહિત ત્રણ કશ્મીરી મળી આવ્યા હતાં. જ્યારે ગેસ્ટ હાઉસના ચોપડે માત્ર એક જ કાશ્મીરી યુવકની એન્ટ્રી કરવામાં આવી હતી.. જેથી પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક પિતા- પુત્ર સામે પણ ગુનો નોંધ્યો હતો.
પોલીસે હાલમાં ત્રણેયના ફોન જપ્ત કરી પરિક્ષણ માટે FSLમાં મોકલાયા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો. ત્રણ કશ્મીરી કચ્છમાં દાન માંગવા આવ્યા હતા. હાલ તો પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરીઓની પૂછપરછ શરૂ કરી છે.
UP, રાજસ્થાન ATS આતંકીની કરશે પૂછપરછ
ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે હવે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન ATSની ટીમ પણ અમદાવાદ આવી છે. કાશ્મીરી સફરજનની આડમાં શંકાસ્પદ વસ્તુઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ જે કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે. ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે. મંગળવારના ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ લઈ જઈને ATSએ તપાસ કરી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે.
દિલ્હી કાર વિસ્ફોટ કેસમાં શું કરાઈ કાર્યવાહી?
12 લોકોનો જીવ લેનાર દિલ્હી બ્લાસ્ટ કેસની NIAએ તપાસ શરૂ કરી હતી. લાલ કિલ્લા વિસ્તારમાં થયેલો બ્લાસ્ટ આત્મઘાતી હુમલો ન હોવાનું પ્રાથમિક અહેવાલમાં સ્પષ્ટતા થઈ છે. ફરીદાબાદમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો પકડાયાની જાણકારી મળતા જ ગભરાટમાં હુમલાખોરનું પગલું હોવાની શક્યતાને ધ્યાને રાખી તપાસ થઈ રહી છે. પકડાઈ જવાના ડરે મૂળ ટાર્ગેટથી વિપરીત ઉતાવળમાં બ્લાસ્ટ થઈ ગયો હોવાની પણ જાણકારી મળી રહી છે. વિસ્ફોટકમાંથી બોંબ પૂરી રીતે તૈયાર થાય તે પહેલા જ વિસ્ફોટ થઈ જતા બ્લાસ્ટ બાદ પણ રોડ પર કોઈ ખાડા પડ્યા નથી. બીજી તરફ બ્લાસ્ટના સ્થળેથી કારના ટાયરો, ચેસિસ, CNG સિલીન્ડર, બોનેટ સહિતના 42 સેમ્પલની તપાસ આજથી FSLએ શરૂ કરી દીધી છે. જોકે આજ સ્થળેથી ગઈકાલે મોડીરાત્રીના FSLને બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. FSLની મોટાભાગની કામગીરી પૂર્ણ થતા વિસ્ફોટ સાઈટથી તૂટેલી ગાડીઓ સહિતનો કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર ડૉ. ઉમર જ હોવાનું સામે આવ્યું છે. ડૉ. ઉમર પોતે જ કાર ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો છે. અત્યાર સુધીની તપાસમાં ડોક્ટર આદિલ, ડોક્ટર ઉમર, ડોક્ટર મુઝમ્મિલ શકીલ, ડોક્ટર સજ્જાદ અહમદ મલ્લા, મહિલા ડોક્ટર શાહીન શાહિદ અને ડોક્ટર પરવેઝ નામના આરોપીઓના નામ ખુલ્યા છે.





















