રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?
રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદ વરસવાનું હવામાન વિભાગનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં થંડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના મતે ત્રણ દિવસ બાદ લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુઘી ઘટાડો થશે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા તાલુકાના હાથસણી, ધજડી, જિક્યાલી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોએ પોતાનો ઘાસચારો અને જણસી ઢાંકી દેતા ખેડૂતોને નહિવત નુકસાન છે. પરંતુ જો સતત વરસાદ પડે તો નુક્સાન જવાની શક્યતા છે.
રાજ્યમાં ભરશિયાળે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. અચાનક પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. રાજયમાં 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં આવી વરસાદ વરસવાની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મની આગાહી કરાઈ છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. 2 થી 4 ડીગ્રી સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
પાટણના સિદ્ધપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સિદ્ધપુર ચાર રસ્તા પાસે કમોસમી વરસાદના પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી છે. રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ થયા હતા. બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદભવી છે.
કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. પશ્ચિમ કચ્છના માધાપર, ભુજ, મિરઝાપર, સુખપર, સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કચ્છમાં સતત પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ તાલાલા પથંકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદથી ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે.
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયલા નુકસાનની સહાય આપવા માંગ કરી છે. કમોસમી વરસાદના કારણે તૈયાર પાક કપાસ, ગવાર, અડદ સહીતના પાકને નુકસાન થયું છે. શિયાળુ વાવેતર કરેલા જીરું, ચણા, રાયડો સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પશુ માટેનો ઘાસચારો ખતમ થઈ ગયો છે તેથી સરકારને તાત્કાલિક સહાય જાહેરાત કરે તેવી માંગણી રઘુભાઈ દેસાઈએ કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે.





















