ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, 16 ઓગસ્ટે 5 કેંદ્રિય મંત્રી કરશે જન આશીર્વાદ યાત્રા
મોદી કેબિનેટમાં ગુજરાતના 5 સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે ભાજપના આ પાંચ કેંદ્રીય મંત્રીઓની 16થી 21 ઓગસ્ટ ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા નીકળશે.
અમદાવાદ: મોદી કેબિનેટમાં હાલમાં જ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મોદી કેબિનેટમાં ગુજરાતના 5 સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે ભાજપના આ પાંચ કેંદ્રીય મંત્રીઓની 16થી 21 ઓગસ્ટ ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા નીકળશે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.
રાજ્યના 151 સ્થળે કુલ 20 હજાર 277 કિલોમીટરમાં યાત્રા થશે. દેવુસિંહ ચૌહાણ પાલનપુરથી નડિયાદની યાત્રા કરશે. મહેંદ્ર મુંજપરા અમદાવાદમાં યાત્રા કરશે. આ ઉપરાંત દર્શનાબેન જરદોશની યાત્રા આણંદથી શરુ થશે અને સુરત ખાતે સમાપન થશે. કેંદ્રીયમંત્રી પરષોત્તમ રુપાલા ઊંઝાથી અમરેલી સુધી યાત્રા કરશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની ત્રણ દિવસની યાત્રા રાજકોટથી શરુ થશે અને ભાવનગરમાં પૂર્ણ થશે. પાંચ કેંદ્રીય મંત્રીઓની જન આર્શીવાદ યાત્રા ગુજરાતના કુલ 151 સ્થળો પર જશે. આ જન આર્શીવાદ યાત્રામાં કુલ 20,277 કિલોમીટરની યાત્રા થશે.
17 ઓગસ્ટ બાદ ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ
રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમય બાદ હવામાન વિભાગ તરફથી પણ ખેડૂતોને લઈને સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે 17 ઓગસ્ટ બાદ ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ આપ્યા છે. ચાર-પાંચ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. હાલ વરસાદની રાજ્યમાં ખુબ જરૂર છે. પાણી વગર ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે.
ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ છવાતા લોકોએ રાહત અનુભવી છે. શહેરના જશોનાથ ચોક, ભીડભંજન ચોક, નવાપરા વિસ્તાર, કાળાનાળા ચોક, વાઘાવાડી રોડ, શિવાજી સર્કલ, ભરતનગર, હાદાનગર સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ભાવનગર શહેરમાં અત્યાર સુધી 37 ટકા, ગારિયાધારમાં 56.64 ટકા, ઘોઘામાં 32.93 ટકા, જેસરમાં 21.36 ટકા, મહુવામાં 40.18 ટકા, પાલિતાણામાં 45.45 ટકા, શિહોરમાં 20.79 ટકા, વલ્લભીપુરમાં સિઝનનો 34.56 ટકા વરસાદ વરસ્યો છે.
અમરેલીના દરિયાકાંઠા જાફરાબાદ પંથકમાં વરસાદ વરસ્યો છે. વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. જાફરાબાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ હાથતાળી આપી રહ્યો હતો. જ્યારે જાફરાબાદ પંથકમાં વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા છે. તેમના પાકને હાલ વરસાદની ખુબ જરૂર છે.