Navsari: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! પિતા ઉંઘમાં હતાને 1 વર્ષીય બાળકી રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી જતા મોતને ભેટી
નવસારી: શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના જમાલપોરના નીલકંઠ અપાર્ટમેન્ટમાં નેપાળી પરિવારની એક વર્ષીય બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી.
નવસારી: શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના જમાલપોરના નીલકંઠ અપાર્ટમેન્ટમાં નેપાળી પરિવારની એક વર્ષીય બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી. વોચમેન પિતા સૂતા હતા અને માતા ઘરકામ કરવા ગઈ હતી. આ દરમિયાન નાની બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડતા તેનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
અચાનક જાગી ગયેલા પિતાએ દીકરીને ડોલમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. તુરંત દીકરીને ડોલમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં બાળાને લાવતા તબીબોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોતાના સંતાનને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
રાજ્યમાં બે દિવસમાં હાર્ટ એટેકથી 7 લોકોના મોત થતા અરેરાટી
કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. બે દિવસમાં રાજ્યમાં હાર્ટ એટેકથી સાતના મોત થતા અરેરાટી મચી ગઈ છે. રાજકોટમાં ત્રણ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયા હતા તો બીજી તરફ સુરત, જૂનાગઢ, ભાવનગર અને મોરબીમાં એક એક વ્યક્તિનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. નાની ઉંમરે સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિંતા વધી છે.
જૂનાગઢમાં દાંડીયાની પ્રેક્ટિસ કરતા યુવકનું મોત
જૂનાગઢમાં દાંડીયારાસની પ્રેક્ટિસ દરમિયાન યુવાનનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. મૃતકના પરિજન દ્વારા આપવમાં આવેલા નિવેદન અનુસાર નવરાત્રીની પ્રેક્ટિસ દરમ્યાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ ચિરાગ પરમાર નામના ૨૪ વર્ષીય યુવાન મોત નિપજ્યું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને હોસ્પિટલો ખસેડાયો હતો. જો કે, હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
ભાવનગર શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત
તો બીજી તરફ ભાવનગર શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. ગોરધનભાઈ સોલંકી નામના 32 વર્ષિય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. રત્ન કલાકાર તરીકે કામ કરતા ગોરધનભાઈ સોલંકીને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. મૃતક યુવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. હાર્ટ અટેકના કિસ્સામાં થઈ રહેલો વધારો લોકો માટે ચિંતા વધારી રહ્યો છે.
મોરબીમાં યુવકનું હાર્ટ એટેકથી મોત
મોરબીમાં પણ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જીઓગ્રેસ કારખાનામાં કામ કરતા કામદારનું હાર્ટ એટેકથી મોત થયું છે. 37 વર્ષીય વિક્રમસિંહનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
સુરત જ નહીં પરંતુ રાજ્યભરમાં નાની યુવાનીમાં હાર્ટ એટેકના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરમાં હાર્ટ એટેકથી લોકોના મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી બાઇક ચલાવતા ચલાવતા હોય કે ચાલતા ચાલતા કે ઊંઘમાં જ હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ કે પાંડેસરામાં કાપડ મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા 43 વર્ષીય શોભરાજ દુરીયા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.