Gandhinagar: ગુજરાતના દરેક પોલીસ મથકમાં બનશે એક ક્લસ્ટર, ગુનાઓ ઝડપી ઉકેલવા હર્ષ સંઘવી કરી મોટી જાહેરાત
Gandhinagar: પાટનગર ખાતે બે દિવસીય "ફોરેન્સિક હેકેથોન 2023"નો પ્રારંભ થયો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે ફોરેન્સિક હેકેથોન 2023નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Gandhinagar: પાટનગર ખાતે બે દિવસીય "ફોરેન્સિક હેકેથોન 2023"નો પ્રારંભ થયો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે ફોરેન્સિક હેકેથોન 2023નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આવતી કાલથી ત્રિ-દિવસીય "25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ" યોજાશે. બંને કાર્યક્રમોનો હેતુ ન્યાય વિતરણ પ્રણાલીને મજબૂત કરવાનો છે. NFSU અને ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ (DFSS) સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ “ફોરેન્સિક હેકેથોન”નું ઉદ્ઘાટન કર્યું હતું. દેશ - વિદેશના 1200થી વધુ પ્રતિનિધિઓ-સ્પર્ધકો આ બંને કાર્યક્રમમાં ભાગ લેશે. કુલ રૂ. 50 લાખથી વધુના પુરસ્કારો પણ વિજેતાઓને અપાશે.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતના દરેક પોલીસ મથકમાં એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં પોલીસ કર્મચારીઓની સાથે એફએસએલના નિષ્ણાંતો રહેશે. કોઈપણ ગુનો બનશે ત્યારે આ ટીમ ઘટના સ્થળે જશે. જેનાથી ક્રાઇમ ડીટેકશન રેટ વધશે અને તેની ઝડપ પણ વધશે. તેવી જાહેરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે ફોરેન્સિક હેકેથોન 2023નો પ્રારંભ કરતી વેળાએ હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાત ક્રાઇમ ડિટેકશનમાં પ્રથમ બનશે. પ્રથમ હેકેથોનમાં 58 કંપનીઓ જોડાઈ છે. આવનારા દિવસોમાં એફએસએલના સાધનો અહી બનશે.
મોરબી બ્રીજ દુર્ઘટના મામલે લોખંડી સુરક્ષા વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરાયા
Morbi Bridge Tragedy Update: મોરબી બ્રીજ દુર્ઘટના કેસ મામલે આજે જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા. પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવણમાં આવ્યો હતો. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ બ્રિજના રિનોવેશનનું કામ જયસુખ પટેલે કર્યું હતું.
ગુજરાતમાં ચાલતી હજારો મીટની દુકાનો પર લાગશે તાળા
Gandhingar: ગુજરાતમાં ચાલતી ગેરકાયદે મીટ શોપ અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવી મીટ શોપો બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. લાયસન્સ વગરની મીટ શોપ બંધ કરાવવામાં આવશે. આ મીટ શોપ બંધ કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે. સમગ્ર રાજ્યમાં ચાલતી ગેરકાયદે મીટ શોપ બંધ કરાવાશે. સમગ્ર રાજ્યમાં 4 હજાર થી વધુ ગેરકાયદે મીટ શોપ ચાલે છે. અત્યાર સુધીમાં અંદાજે 1387 દુકાનો બંધ કરાવવામાં આવી છે. લાયસન્સવાળી દુકાનોમાં પણ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં લાયસન્સ વિના ચાલતી 3200 થી વધુ મીટ શોપ વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર કતલખાના મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. લાઈસન્સ વગરની તમામ મીટ શોપ બંધ કરાવવા કોર્ટે નિર્દેશ કર્યો છે.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. જાન્યુઆરી મહિનામાં DLSA (ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી) દ્વારા રાજ્યમાં નગરપાલિકા – મહાનગરપાલિકા વિસ્તારની 4300 થી વધુ મીટની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી 3200 થી વધુ દુકાનો ધ્યાને આવતા દુકાનદારો વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં લાયસન્સ વગરની જણાઈ આવેલી 1247 દુકાનોને સીલ કરવામાં આવી છે. જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓની 813 જ્યારે નગરપાલિકાઓની 434 જેટલી દુકાનોનો સમાવેશ થાય છે. રાજ્યના કોઇપણ નાગરિકના આરોગ્ય સાથે ચેડા ન થાય તમામને આરોગ્યપ્રદ આહાર-ભોજન મળી રહે તે દિશામાં સરકાર હંમેશાથી પ્રયત્નશીલ રહી છે. આ સમગ્ર કામગીરી શહેરી વિકાસ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, જી.પી.સી.બી. દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.