Botad: બોટાદના બરવાળામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત, ગામમાં શોકનો માહોલ
બોટાદમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત થતા ચકચાર મચી ગઇ હતી
બોટાદમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત થતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, બરવાળાના ચોકડી ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત થયું હતું. ગામના પાદરમાં રોડ ઉપર પાણી ભરેલા ખાડામાં બાળક પડી જતા ડૂબી જવાથી તેનું મોત થયું હતુ. બાળકના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. બાળકની ઓળખ સોહમ નિતેશભાઈ ગોરસવા તરીકે થઇ હતી.
બરવાળાની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે બાળકના મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. બાળકના મોતથી ચોકડી ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
તાજેતરના દિવસોમાં બોટાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. બોટાદના રાણપુરમાં વરસાદ આફતરૂપ બન્યો હતો. અહીં પાંજરાપોળમાં કાદવમાં ખૂંચી જતાં 250 પશુઓના મોત થયાના આક્ષેપ થઇ રહ્યા છે. પશુના મોત થતાં જીવદયા પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો છે.
બોટાદના રાણપુરમાં છેલ્લા 40 દિવસમાં 250 પશુના મોત થઇ જતાં જીવદયા પ્રેમીઓએ પાંજળાપોરની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા રોષ ઠાલવ્યો હતો. બોટાદમાં સતત ભારે વરસાદના કારણે કાદવમાં ખૂંચી જતાં આ પશુના મોત થયાં છે. 40 દિવસમાં 250 પશુઓના મોત થયા છે. જુનમાં 87, તો જુલાઈના 10 દિવસમાં જ 158 પશુઓના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મોરબીમાં પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. મોરબીના મચ્છોનગર પાસે પણ પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. પાનેલી રોડ પર મચ્છોનગર પાસે પાણીના ખાડામાં ૭ વર્ષની બાળકીનું મોત થયું હતું. અસ્મીતાબેન પીતાંબરભાઈ ઝાલા નામની સાત વર્ષની બાળકીનું પાણીના ખાડામાં પડી જવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ હતી. ફાયર વિભાગે બાળકીની શોધખોળ હાથ ધરતા અંતે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 16 જૂલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 15 જૂલાઇના જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો 16 જૂલાઇના પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, અને પાટણમાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 112 ટકા વરસાદ વરસ્યો છે.