Banaskantha: બનાસકાંઠામાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી, દીકરીના લગ્ન માટે વ્યાજે લીધા હતા પૈસા
Banaskantha: સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ગૃહ વિભાગ અને પોલીસ હવે વ્યાજખોરો સામે કડકાઈ કરી રહી છે છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ ઓછો થતો નથી.
Banaskantha: સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ગૃહ વિભાગ અને પોલીસ હવે વ્યાજખોરો સામે કડકાઈ કરી રહી છે છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ ઓછો થતો નથી. પાલનપુરના કુંભાસણ ગામના કારીયાણાના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની કોશિશ કરતાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેને લઈને તેનો પરિવાર ચિંતિત બન્યો છે અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે.
પાલનપુરના કુંભાસણ ગામમાં રહેતા અને કરીયાણાની દુકાન ચલાવતા શંકરજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન માટે ચંડીસર ગામના વ્યાજખોર પોપટજી ઠાકોર પાસેથી 30 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેના બદલામાં વ્યાજખોર પોપટજી ઠાકોરે પીડિત પાસેથી કોરા ચેક પર સહી કરાવીને લીધા હતા અને જ્યાર સુધી પૈસા ચૂકતે ન થાય ત્યાર સુધી દર મહીને 1500 રૂપિયા વ્યાજ આપવાનું કહ્યું હતું. જેને લઈને શંકરજીએ 1500 રૂપિયાના 9 હપ્તાનું વ્યાજ પોપટજી ઠાકોરને ચૂક્વ્યુ હતું. છતાં પણ વ્યાજખોરનો ત્રાસ સતત વધતો જતો હતો અને આખરે પીડિતે આપેલા કોરા ચેકમાં વ્યાજખોરે 50 હજારની રકમ ભરીને ચેક બાઉન્સ કરાવીને કોર્ટમાં કેસ કરી દીધો હતો.
જે બાદ કોર્ટમાં 7 ડિસેમ્બરના મુદત હોઈ પીડિત શંકરજી ઠાકોરે 20 હજાર રૂપિયા વ્યાજખોરને આપ્યા હતા અને તે બાદ બીજા પૈસા આપવા વ્યાજખોર સતત દબાણ કરતો હતો અને શંકરજીની દુકાને તેમજ તેમના ઘરે જઈને ધમકીઓ આપતો હતો અને ત્રાસ ગુજારતો. જેથી પીડિત શંકરજી સતત માનસિક ટેન્શનમાં રહેતા અને અને કોર્ટમાં 7 જાન્યુઆરીએ મુદત હોઈ અને પૈસાની સગવડ ન થતાં તેમજ વ્યાજખોરોની ધમકીઓના કારણે તેમણે ઉધઈ મારવાની દવા પી લેતા તેમની હાલત લથડતાં તેમના પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં ડોકટરોએ તેમને બચાવી લીધા છે અને તેમની હાલત સ્થિર છે. જોકે વ્યાજખોરના કારણે પીડિતનો પરિવાર માનસિક દબાણ અને ડરમાં છે. જેને લઈને પીડિત પરિવાર વ્યાજખોરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. ગઢ પોલીસે આરોપી પોપટજી ઠાકોર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં યુવકે 20 હજારના 4.30 લાખ પરત કર્યા
રાજકોટ: શહેર પોલીસે વધુ એક વ્યાજખોરીનો ગુનો નોંધ્યો છે, જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા યુવકે હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા કટકે કટકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 4.30 લાખ રુપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે તારે કિડની વેચીને પણ વધુ પૈસા આપવા પડશે નહિતર ઉપાડી જઇશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહિ વ્યાજખોરનો હવાલો લઇ અન્ય બે વ્યક્તિએ પણ ધમકી આપવાની શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ , જંક્શન પ્લોટના લોહાણાચાલ વિસ્તારમાં રહેતા અને નોકરી કરતાં રાજ અરવિંદ કારિયાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી નજીકના ગોલ્ડન પોર્ટિકોટ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંત સુભાષ પૂજારા, જામનગર રોડ રેલવે કોલોનીમાં રહેતા મિતેષ કિશોર કડીવાર અને નૈમિષ મહેન્દ્ર દવેના નામ આપ્યા હતા. રાજ કારિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 નવેમ્બર 2021થી 13 જુલાઇ 2022 સુધીમાં તેને અને તેની માતાને કોરોના થતા હોસ્પિટલના ખર્ચ અને અન્ય ખર્ચ માટે પ્રશાંત પૂજારા પાસેથી 20,000 રુપિયા વ્યાજે લીધા હતા અને તેને નિયમિત વ્યાજ પણ ચૂકવતો હતો. કુલ 2 લાખ 30 હજાર વ્યાજ ચૂકવવાનું થતું હતું.
રાજની માતાએ પણ તે જ્યાં કામ કરે છે ત્યાંથી ઉપાડ લઇને વ્યાજખોરના નાણાં ચૂકવ્યા હતા, અત્યાર સુધીમાં 4,30,500 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ 1.70 લાખની ઉઘરાણી શરૂ કરી હતી અને ધમકી આપી હતી કે, કિડની વેચીને પણ પૈસા તો આપવા જ પડશે નહિતર તને ઉપાડી જઇને ટાટિયા ભાંગી નાખીશ. ત્યારબાદ મિતેષ કડીવાર અને નૈમિષ દવેએ વ્યાજખોર પ્રશાંત પૂજારાનો હવાલો લઇને રાજ પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી અને અપહરણ કરી જવાની ધમકી આપતા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. વ્યાજખોરો 15 થી 20 ટકા વ્યાજ લગાવતા હતા અને દરરોજની 5 હજાર સુધીની પેનલ્ટી લગાવતા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.